આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫


બુદ્ધિધનને ઠેકાણે બીજો માણસ આવ્યો એટલે એ સુવર્ણપુર આવ્યો અને “હુઝુર સેક્રેટરી”ની નોકરી લીધી. ગરબડદાસ રાણાની પ્રીતિનું બીજું પાત્ર હતું તેને હીસાબી ખાતું સોંપાવ્યું. બીજા અમલદારો કાયમ રહ્યા. જતે દિવસે બુદ્ધિધનની પદવીનું નામ ફેરવી તેની ઈચ્છાથી એના એ કામ ઉપર રાખી તેને “અમાત્ય” બનાવ્યો અને પગાર વધાર્યો. સર્વ મામલો હળવે હળવે શાંત થઈ ગયો હતો. કોઈ કોઈ વાર ખટપટ-વાયુથી મોજાં ઉછળતાં તો અમાત્યની બુદ્ધિ તેલ પેઠે તે ઉપર રેડાઈ તોફાન શાંત કરી દેતી. કેટલાક ન્હાના મ્હોટા બનાવો બનતા, અંદર અંદર ઈર્ષ્યા, વૈર, આદિ રહેતાં પરંતુ પરદેશી જોનારને મન કાંઈ દેખાય એમ ન હતું.

અમાત્ય પોતાનું કામ શાન્તિથી કરતો. સઉને સારે રસ્તે પાડી કોઈના કામમાં બહુ વચ્ચે ન આવી કારભારી વગેરેને સમઝાવી કામ લેવા યત્ન કરતો અને બધા એકઠા મળતા ત્યારે કોઈના મ્હોં ઉપર અસંતોષનો લેશ દેખાતો ન હતો.

અમાત્યનું માન દિવસે દિવસે વધતું હતું. પોતાના પૂર્વજોના બંધાવેલા રાજેશ્વર મહાદેવનો તેણે જીર્ણોધ્ધાર કર્યો. લોકો તેના ઉપર અાશાથી જોવા લાગ્યા. મુંબાઈ જવાના પ્રસંગ મળતા ત્યારે ત્યાંના સાહેબ લોકોમાં જતો અને પ્રતિષ્ઠા પામી કાર્ય સાધી ઘેર આવતો. શાસ્ત્રીયોનો પરિચય રાખતો અને કર્મકાંડ પર શ્રદ્ધા બતાવતો. અા સર્વે તેનાં ભૂષણ થઈ પડ્યાં, અને રાણા પાસે એનું વધારે વધારે ચાલતું દેખાયું તેમ તેમ આ સઉ ભૂષણનાં વધારે વધારે વખાણ થવા લાગ્યાં.

રાજેશ્વર મહાદેવમાં રાણો અને અમાત્ય અાવ્યા તે પ્રસંગે રાજયકાર્યની અા વ્યવસ્થા હતી અને અભિષેક થયે ત્રણ ચાર વર્ષ વીતી ગયાં હતાં.

રાજેશ્વરમાં આ બન્ને જણને બેસારી, અને નવીનચંદ્ર વાડામાં હતો તે સમયે અલકકિશોરી અને કુમુદસુંદરીને એ જ વાડામાં કેદ કરી, અત્યાર સુધી આપણું ધ્યાન આડી વાતોમાં ગુંચાયું અને બુદ્ધિધનનો ઇતિહાસ જાણવામાં વાર્તાનો પ્રસંગ આપણી અાંખ આગળથી અાટલી વાર દૂર રહ્યો તે બનાવ, વાંચનાર, જો તને સકારણ અને સફળ ન લાગે તો હવે એ ન જ બન્યો હોય એમ ત્‍હારી નજર આગળથી ક્‌હાડી નાંખી, ગઈ ગુજરી વિસારી દે અને ભૂતકાળને ભુલી વર્તમાન કાળની વાર્તામાં ડુબવા નીચલા પ્રકરણના પ્રવાહમાં વહ્યો જા