આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩

બાબતમાં પઇસા ખોવા એના જેવી મૂર્ખાઇ તે એને બીજી એક પણ વસતી નહી, એનું લંપટપણું માત્ર મમત અને વૈરથીજ ઉત્પન્ન થતું, અને મમત અને વૈરની શાંતિ સાથે શાંત થતું. કોઇ સ્ત્રીએ એની બાબતમાં તિરસ્કાર બતાવ્યો તો ત્યારથી થોડા દિવસમાં એ સ્ત્રી પોતાને એને ઘેર ગઇજ દેખતી અને માનચતુરની દાસી થઈ જતી. 'ડાહી પતિવ્રતાઓ એની આ શક્તિ જોતી અને એની આગળ અભિમાન ન બતાવતાં એને કાકા મામા અથવા ભાઇ કહી બોલાવતી તો એ તેના સામું પણ ન જોતો, એટલુંજ નહી પણ તેવી સ્ત્રિયો કદીક ચળતી તો તેને સવળે માર્ગે દોરી કુછન્દમાંથી બચાવતો. જે પુરુષો માનચતુર સામી બાકરી બાંધે અથવા તેના આગળ અભિમાન બતાવે તેની સ્ત્રિયો પણ એની જાળમાં ફસાતી. પોતે દેખાવમાં ભવ્ય હતો. જાતે ઉંચો પ્હોળો અને ગોરો હતો. જુવાનીમાં તેના વાળ કાળા, ઝીણા, અને ચળકાટ મારતા હતા તે ઘડપણમાં ધોળા થતા ગયા તેમ એ ધોળાશમાં પણ ચળકાટ લાગવા માંડ્યો અને જુવાનીમાં તેમ ઘડપણમાં પણ આ પુરુષનો દેખાવ ટાપટીપ વગરને હોવા છતાં સ્ત્રીઓને એક પળમાં વશ કરી દેવામાં સમર્થ હતો. કદીક તે એ બોલતો ત્યારે કોઇ રાજા બોલતો હોય તેમ લાગતું અને એનું અપમાન કરતાં ઉપરીઓની પણ જીભ ઉપડતી ન હતી. પોતાની આ શક્તિ અજમાવવાને એને શોખ હતો. તેમાં વિશેષે સ્ત્રિયો ઉપર અજમાવતો. એનાથી અંજાયલી કુલટા સ્ત્રિયો એની પાછળ ભમતી તેને એ ભમાવતો. સ્વભાવે અશુદ્ધ નહી પણ નબળાં મગજ વાળી એવી સ્ત્રિયો પણ પતંગિયાં દીવામાં પડે તેમ આના મોહના ફાંદામાં પડતી. કેટલીક બુદ્ધિશાળી સ્ત્રીઓને માનચતુરની બુદ્ધિનો અને વાતચીતને શોખ થતો. રસિક અથવા તાર્કિક સ્ત્રિયોના મગજમાં તો માનચતુરની મૂર્તિ અને વાતો સ્વપ્ન પેઠે રાતદિવસ તરતી હતી અને ખસવા પામતી ન હતી. આવી આવી અનેક સ્ત્રિયો માનચતુર પાછળ મધમાખી મધપુડા આગળ ભમે તેમ ભમ્યાં કરતી હતી. માનચતુર તેમને ભમવા દેતો, તેમને વાતો કરવા દેતો, અને તેમના મનમાં ખોટી ખોટી આશા ઉત્પન્ન કરતો પરંતુ જેવી રીતે સઉના ઉપર આ મોહજાળ પાથરવાનો એને શોખ હતો તેનાથી બમણો શોખ એ સર્વની મોહજાળમાં જાતે ન ફસાવાનો હતો. વિષયમાત્ર મને બાધ ન કરે એવી મ્હારી શક્તિ છે, વિષયને હું નચાવું છું– વિષય મને નચાવી શકતા નથી, સંસાર મ્હારો દાસ છે – હું તેનો દાસ નથી, શ્રીકૃષ્ણની પેઠે સંસારમાં ર્‌હેવા છતાં તેમાં હું લપટાતો નથીઃ