આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧

નોકરી થઇ અને પછી પાછો ઉથલો ખાવો પડ્યો ત્યારે અંતે નોકરી છોડી વિદ્યાચતુરની પાસે આવી રહ્યો હતો એટલા અરસામાં પોતે સ્ત્રીની ઇચ્છાએ લીધેલી પ્રતિજ્ઞા તોડાવે એવા ઘણા ઘણા પ્રસંગ આવી ગયા હતા, પૂર્વના પ્રસંગમાં પરિચિત થયેલી ઘણીક લલનાઓએ તેના પરિચયને તાજો કરવા આશા રાખી ગુરુપ્રયાસ કર્યા હતા, પૂર્વે જેને પોતે પુરુષાતન માનતો હતો તે અજમાવવાના ઘણા ઘણા પ્રસંગ આવી ગયા હતા, પરંતુ એના એ માનચતુરે હવે જુદા પદાર્થમાં પુરુષાર્થ માન્યો હતો, પોતે સ્ત્રીઓથી લોભાય એવા નિર્બળ મનવાળો છે એવું ધર્મલક્ષ્મી ધારે તો તેથી પોતાના પુરુષાતનમાં ખામી ગણાઇ જવાની અને એ ખામી મ્હારામાં નથી તે દેખાડી આપવાનો એને લોભ થયો હતો, પોતાની પ્રતિજ્ઞા જાળવવાની શક્તિ દેખાડી આપવી એવો એને ઉમંગ થયો હતો, પતિવ્રતાપાસે પત્નીવ્રત થવાની એને ઘડપણમાં હોંસ ઉત્પન્ન થઇ હતી, પોતાના મનને અંકુશમાં રાખવાની શક્તિ અજમાવવા તેનું હૃદય તીવ્ર ઇચ્છા ધારણ કરતું હતું, શુદ્ધ વિશુદ્ધિવાળા જીવનના દિવસનો પણ સ્વાદ પુરી રીતે લઇ લેવો એવો એના મનમાં તરંગ ઉપજ્યો હતો અને બાકીનો જન્મારો એજ તરંગ પ્રમાણે ગાળવા એણે નિશ્ચય કર્યો હતો, અને આ સર્વ કામ પાર ઉતારવાં એ એને મનથી કાંઇ વસાત વગરની ધૂળ જેવી અને જ્યારે ધરાય ત્યારે થઇ શકે એવી વાત હોય તેમ પોતાના હૃદય ઉપર પણ સહસા બળાત્કાર કરવાની શક્તિ એણે સિદ્ધ કરી આપી, પોતાના ઉગ્ર આગ્રહ આગળ કાંઇ અસાધ્ય નથી . એવું સ્પષ્ટ દેખાડી આપ્યું, અને ધર્મલક્ષ્મીએ એને કહ્યું હતું કે “તમે ધારો તે તો જ પળે તમે તે કરી શકો એવા છો” એ વાક્યની સત્યતા અનુભવસિદ્ધ કરી આપી પત્નીનું પતિઅભિમાન પ્રફુલ કર્યું. ધર્મલક્ષ્મી સર્વ ઠેકાણે ક્‌હેવા લાગી કે શ્રીકૃષ્ણ જેવા વિરક્ત હતા અને દુર્વાસામુનિ જેવા અપવાસી હતા તેવા જ મ્હારા પતિ પત્નીવ્રત છે ! એની કોઇ ના કહી શકે એમ નથી. અનેક સ્ત્રિયોરૂપી અભેધ સળિયાવાળા પાંજરાને પોતાના ભારે પંઝાના બળથી સપાટાબંધ તોડી નાંખી : પાંજરામાંથી બ્હાર નીકળી સ્વતંત્ર થઇ ઉભેલા મ્હોટા સિંહના જેવા પોતાના સ્વામીને જોઇ ધર્મલક્ષ્મી આખી જુવાનીના દુ:ખનો બદલો વળ્યો ગણવા લાગી, પોતાને માથે સમર્થ સ્વામી છે એવું અભિમાન અનુભવવા લાગી, અને પતિ પાસે માત્ર આટલો જ અભિલાષ દેખાડવા લાગી કે “ગાનચતુર તમારા કરતાં વધારે મ્હોટી જાળમાં ફસાયો છે, તેનામાં તમારી શક્તિનો અંશ પણ નથી, એને એમાંથી