આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગાડું ખખડતું ખખડતું બે વન વચ્ચેની ખીણ જેવા રસ્તાપર દોડતું હોય એમ ચાલતું હતું. સંન્યાસીના હાથમાંનો દંડ નિર્ભય સ્થિતિમાં ગાડાના પાંજરાપર આડો પડયો હતો અને તેની આકાશ ભણીની અણી લોહીવાળી થઈ હતી. ગાડાવાળો સ્વસ્થ હતો પણ સંન્યાસીના મનમાં કાંઈક શંકા હોય તેમ તેની આંખ સાવધાન રહેવાનો પ્રયત્ન કરતી ચારપાસ કીકી ફેરવતી હતી.

ગાડાની પાછળ જે ત્રણ સવાર સુવર્ણપુર આગળથી ચાલતા હતા તે અત્યારે દેખાતા ન હતા. સરસ્વતીચંદ્ર ચાલ્યો જતો જોઈ કુમુદસુંદરીએ પોતાને તેડવા આવેલા સ્વારોમાંથી એ ત્રણ જણને કેટલીક સૂચના આપી સરસ્વતીચંદ્રની પાછળ મોકલ્યા હતા. અબ્દુલ્લા, ફતેસંગ, અને હરભમજી એવાં એ ત્રણ સ્વારનાં નામ હતાં.

ગાડું ચાલવા માંડયું ત્યારે તેની આગળ જે સ્વર તથા હોંકારા આવતા હતા તે હવે શાંત થઈ ગયા હતા અને તે સ્થળ ગાડું ક્યારનું વટાવી ચુકયું હતું. આંબાનું વન ઈંગ્રેજી સીમમાં હતું, તાડનું વન સુવર્ણપુરના રાજ્યની સીમમાં હતું, અને બેની વચ્ચેના રસ્તાનું મુખ મનોહરપુરીની સીમમાં હતું. તે સીમમાં એક પૂર્વપશ્ચિમ રસ્તો હતો અને ત્યાં આગળથી દક્ષિણ ભણીને રસ્તો બંધ થતો હતો – ભળી જતો હતો. ત્રણ દિશાના માર્ગ મળતા હતા ત્યાં આગળ આમ ત્રિભેટો થતો હતો, ગાડું ત્રિભેટા આગળ આવી અટકયું તે સમયે અંધકાર આકાશમાંથી ઉતરી પડ્યો અને રાત્રિ પણ વિશ્વને ભેટી પડી. ચંદ્રમા ડોકિયું કરી જતો રહ્યો. ત્રિભેટાને મધ્યસ્થાને એક વડનું ઝાડ હતું તેની નીચે સંન્યાસીની ઈચ્છાથી ગાડાવાળાએ બળદ છોડયા અને બે જણ ગુપચુપ અંધારામાં વાતો કરવા લાગ્યા.

ગાડાવાળો:-“ઠાકોર, હવે મને જવા દ્યો. આ તરભેટામાં ત્રગણો ભો, તમે તો છુટા, પણ મ્હારાં તે ઘરબાર જશે.”

સંન્યાસી:–“ હવે છાનો – છાનો,! પેલા હરભમના મારથી મ્હારા જમણા પગનું હાકડું કળે છે તે મ્હારાથી ચલાય એમ નથી ને મ્હારે આ આંબાવાડિયાની પેલી પાર વીરપુર જવું છે, ત્હારા ગાડાવિના ત્યાં નહી જવાય.”

ગાડાવાળો:–“તે વીરપરમાં કિયો બાપ તમને સંઘરવાનો હતો જે ? રાણો ખાચર તમને ને મને બેને બાંધી સોંપી દેશે.”