આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫

અને માત્ર પોતાના કરતાં વધારે અભાગણી નણંદની અદેખાઇ કરતી નહી - કારણ તેમનામાં અદેખાઇ કરવા જેવું કાંઇ ન્હોતું, અધુરામાં પુરું આ સઉ દુર્ભાગ્યનું કારણ પણ પોતે જ છે એવું વચન સસરાના મુખમાંથી નીકળતું સાંભળી , એનો મીજાજ એના હાથમાં રહ્યો નહી. આનંદની વાત કરતાં કરતાં પોતાનો વાંક નીકળતો જોઇ એકદમ અત્યંત ક્રોધ ચ્હડ્યો. સસરાને સામો ઉત્તર દેવાની ગુંજાશ ન હોવાથી ક્રોધ સફળ કરી ન શકી, અને કંઇ ન ચાલતાં ગુણસુંદરી બેઠી હતી તેની પાસે અચિંતી રોઇ પડી અને રોતી રોતી બોલી: “જોયું, ભાભી ? આ પણ મ્હારો વાંક ! હું તે રાંડ શું કરૂં? બીજાની કટેવ તે તે હું શી રીતે સુધારું ? મ્હેં કંઇ કર્યું હોય તો તો ક્‌હેતા યે ભલા ! આ તે મ્હારી દયા આણવી જોઇયે કે બીચારી શું કરે? - તે તો રહ્યું, પણ તેને સાટે હું જ નઠારી ! ઠીક, બાપા, જે ક્‌હેવું હોય તે ક્‌હો. મ્હારું જ પ્રારબ્ધ ફુટેલું ને તમારા ઘરમાં આવી એટલે તમારો વાંક હોય ત્હોયે મ્હારો જ વાંક ! ખરુંસ્તો ! હું રાંડ શે મોઇ નહી?"

ચતુર ગુણસુંદરી જેઠાણીને પોતાની કરી લેવાનો આ પ્રસંગ ચેતી ગઇ. અનુભવી સસરાનું વાક્ય ખરું હતું તે સમજતાં એને વાર ન લાગી, પણ મનમાં વિચાર કર્યો કે ચંડિકાને મ્હોંયે એનો વાંક ક્‌હાડીશું તો એ કોઇ દિવસ નહી સમજે અને સસરાને છોડીને મ્હારા ઉપર કટક ચ્હડશે. પણ આજ સુધી જુદી ને જુદી ર્‌હેતી જેઠાણી આજ પોતાની મેળે મ્હારી પાસે રોઇ પડેછે અને પોતાનું હૈયું ઉઘાડી સલાહ પુછે છે ત્યારે એવો પ્રસંગ તે મને ક્યાં મળવાનો હતો? – આમ ગુણસુંદરી પોતાના મનમાં બોલી, અને જેઠાણીને શાંત કરવા મંડી ગઇ.

“હશે, છાનાં ર્‌હો, રોશો નહી, શું કરિયે? વડીલ છે તે ઘડી બોલે. તમારું દુ:ખ ખરું છે – બાયડીઓના મનની વાત ભાયડાઓથી શી રીતે સમજાય?” આ શાંત મંગળાચરણથી આરંભાયલી વાતો કલાકેક પ્હોચી. ગુણાસુંદરીએ ચંડિકાના મનની સઉ વાત ધીમે ધીમે ક્‌હડાવી અને એની વાતો સાંભળી એટલે સંભળાવનારાની સાંભળનારી પર પ્રીતિ થઇ. પ્રસંગ આવ્યે ન્હાના ઉપાયથી આ મ્હોટું કામ થયું. આખરે ગુણસંદરીએ સઉ દુઃખમાંથી છુટવાનો ઉપાય બતાવ્યો અને ઈર્ષ્યાને ઠેકાણે પ્રીતિનો સંગ્રહ કરનારીએ તે સાંભળ્યો. ગુણસુંદરી બોલી; – “જુવો, મ્હોટાભાઇનો સ્વભાવ પડ્યો તેનું ઓસડ કરવાનું “તમારા હાથમાં છે તે બતાવું. તમારે બધી બાબતમાં એમની