આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧

ચ્હડાવવાં, એ કામ કરવાનું પણ ગૃહિણીએ ઇચ્છ્યું. પતિનું દ્રવ્ય ઓછું વરે અને કુટુંબનું હિત થાય એવું મનોયત્ન ગૃહપંડિતાએ સાધવા માંડયું.

દિવસે પોતાના અભ્યાસમાં રામાયણ ભારત અને એવાં પુસ્તકોનો સમાસ કરી રાત્રે કુટુંબસાથે ઘડી વાર્તાવિનોદનો સમય આવે ત્યારે કુટુંબકથા અને લોકનિન્દાના વિષયને ધીમે ધીમે દેશપાર કર્યો અને તેને સ્થળે સર્વજ્ઞ જેવા સર્વ સંસારના પંડિત વાલ્મીકિ અને વ્યાસની રસિક ચતુર કથાના પ્રસંગો ક્‌હાડી ગુણસુંદરીએ સર્વનાં મન હરણ કરી લીધાં અને સર્વને આ લોક અને પરલોકનાં અવલોચક કર્યાં. આમ ગુરુ જેવી બનેલી ગુણસુંદરી કુટુંબમાં બહુમાન પામી. ધીમે ધીમે એવો પ્રસંગ આવ્યો કે એના મનને ખેદ થાય એવું કરતાં બોલતાં સર્વ કોઇ આંચકો ખાવા લાગ્યું, અને બીજાં માણસ આજ્ઞા કરી – ક્રોધ કરી – કપટ કરી - બલાત્કાર કરી - શિક્ષા કરી – જે કામ નથી કરાવી શકતાં એ કામ ગુણસુંદરીનો એક કોમળ શબ્દ કરાવી શકતો. એની ઇચ્છાથી ઉલટું કામ કરતાં સઉ કોઇ મનમાંથી ખેદ પામતું અને શરમાઇ જતું અને પારકાનો ઠપકો અવશ્ય પામતું.

ગાનચતુર નોકરીવિનાનો હતો અને અપકીર્તિ પામી નોકરી ખોઇ બેઠો હતો તેનું શું કરવું તે વિદ્યાચતુરને સુઝતું ન હતું અને જ્યાં કંઇ માર્ગ સુઝતો અને પ્રયત્ન કરતો ત્યાં ગાનચતુરને કર્મે નિષ્ફળતા જ થતી. ઘણી વખત એણે જરાશંકરને કહ્યું અને જરાશંકરને બે ભાણેજ સરખા હોવા છતાં ગાનચતુરના દુર્ગુણોથી કંટાળી આવ્યો હતો, અને વિદ્યાચતુર પોતાના ભાઇની વાત ક્‌હાડે એટલે મામો એમજ ક્‌હેતો કે “બાપુ, મલ્લરાજ જેવા મહારાજના રાજ્યમાં નોકરોએ તરવારની ધાર ઉપર ચાલવું પડે છે અને આ ત્હારા ભાઇના ગુણ આપણા સર્વનો રોટલો ટાળે એવા છે - માટે વધારે સારું એ છે કે એને ખાવાપીવાનું ત્હારા પગારમાંથી જ આપવું એટલે આપણા બધાનું ખાવાપીવાનું એ ર્‌હે ને પગાર પણ ચાલતો ર્‌હે. હવે થોડાં વરસમાં એ વૃદ્ધમાં ખપશે - ત્હારે બાપે “પેન્શન” લેઇ નોકરી છોડી - આણે પેન્શન ખોઇ નોકરી છોડી. એકને પાળે છે તો બીજાને પાળ. ”મામાનો આવો ઉત્તર વિદ્યાચતુર કોઇને જણાવી શકતો ન હતો અને ખરી વાત ન જાણે એટલે સઉને અસંતોષ સ્વાભાવિક રીતે એના પર જ ર્‌હેતો. પતિથી ન થયું એ કામ ઉપાડવા પત્નીએ પ્રયત્ન કર્યો.

એક દિવસ આ જ અર્થસારુ પોતે મામાને ઘેર ગઇ અને મામીને તૈયાર કરી મામાપાસે વાત ક્‌હાડી. જેની ભલામણ કરવા