આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩

હરિપ્રસાદ સ્વભાવે સારો હતો પણ એની વહુ મનોહરી એનાથી મ્હોટી હતી. સસરાની નોકરી ગયા પછી મનોહરી પિયર ગઈ હતી. મનોહરી ઉલેર ઘાટની, બુદ્ધિશાળી, અને મદોન્મત્ત હતી. પતિ ન્હાનો અને ઓછી બુદ્ધિનો હતો. પતિના પ્હેલાં પોતાને જુવાની આવી હતી, અને જેમ પોતાને જુવાનીનો મદ આવેલો હતો તેમ જુવાન વર્ગના પુરુષોમાં પણ એના રૂપનું આકર્ષણ વધારે હતું, અને એના પ્રસિદ્ધ કજોડાને લીધે લંપટ માણસો એનો પ્રસંગ શોધવાથી ફાવીશું એવું ધારતા. મનોહરીના નામની લાવણીઓ જોડાઇ હતી, એનું નામ લોકની ભીંતોએ ચ્હડયું હતું, એ બ્હાર ફરવા જાય ત્યારે પવન એના કાનના પડદાસાથે બ્હાર થતી બીભત્સ વાતો અથડાવતો અને આંખો સામી પરપુરુષોની આંખોના ડોળા ફરતા. એ ગરબે ફરે ત્યારે આશપાશ લોકોનું ટોળું ભરાતું, એના ઉપર કાંકરા ઉડતા, અને પ્રસંગે અટકચાળી આંગળિયોથી એનું વસ્ત્ર સુદ્ધાત ખેંચાતું. એ એકલી બ્હાર નીકળી હોય તો રસ્તે જનાર એના સરશ્યો અડોઅડ થઇ ચાલ્યો જતો, અથવા એની પાછળ પાછળ આવતો, અથવા એના આગળ ચાલે અને પાછે મ્હોંયે એના સામું જુવે. મનોહરી આ સઉ ફજેતીથી કોક વાર અકળાતી, કોક વાર ડરતી, અને કોઈ વાર તો એવાં હજાર વાનાંને ઘોળી પીતી. એના ઉપર અને એના ધણી ઉપર લોકના ખરાખોટા નામવાળા અને નામવગરના જુદી જુદી મતલબના કાગળો આવતા. એ દેવદર્શન જાય તો મ્હોડાની, અને ભીડમાં હોય તો ગમે તેવી, એની મશ્કરી કરવા લોક ચુકતા નહી. એ નાતમાં જમવા જતી ત્યારે મિષે મિષે અથવા ઉઘાડે છોગે લોક એની વાત કરતા. કાળક્રમે એ નફટ થઇ અને એને કાંઇ લાગતું બંધ થઇ ગયું. લોકો વાતો કરતા તે ખોટું પણ ન હતું, ગામમાં કોઇ રંગીલો છેલ આવ્યો હોય તો એને મળ્યા વગર એ ર્‌હેતી નહીં. પોતાને માથે ધણી આવો હોય ત્યારે આવું હોય પણ ખરું ! – એમ એના મનમાં ર્‌હેતું. કોઇ વાર એવું પણ ઇચ્છતી કે “ક્યારે ધણી મ્હોટો થાય અને હું આ જંજાળમાંથી છુટું ?” ધણીને મ્હોંયે ગામની વાતો જતી, તે ચ્હીડાતો, વહુને મારતો, વહુ મારખાઉ થઇ ગઇ, કોઇક વખત તો સામી મારતી પણ્ ખરી, અને કોઈક વખત માર ખાતી ખાતી હસતી અને ક્‌હેતી કે “હા, મારો, મારો, મ્હેં માર ખાવા ધાર્યો છે તે ખાઇશ - બાકી હાથ ઉપાડું તો જાણો.”

ચંડિકા આ વહુથી ગાંડા જેવી થઇ ગઇ હતી. વહુને સુધારવા