આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭

કોઇ ક્‌હેશે કે ઘરનો ધંધો ઉપાડો, વૈતરું કરો, ને કાકાજી બ્‍હારનું વૈતરું કરે, પણ બે ઘડી બે જણાં બેઠાં હો ને આંખે આંખ મેળવી સાયતવાર વાતો કરે એવું કોઈથી ખમાય નહી તો તેની બે અાંખોમાં બે આંગળિયો ઘોચી ધાલિયે તો કાંઇ પાપ લાગે ખરું ? કહો હવે.” જમણા હાથની બે મ્‍હોટી આંગળિયો લાંબી કરી, જરીક કોપેલી દેખાઇ, અાંખો વિકસાવી, હોઠ મરડી, દાંત પીસી, ડોકું ધુણાવતી ધુણાવતી, ટટ્ટાર બેસી, મનોહરી ગુણસુંદરીની આખો સામી અાંખો કરી તાકીને જોઇ રહી, એ દેખાવ જોઈ ગુણસુંદરી હસી પડી. હલકા લોકમાં ભમવા પામેલી અને છોકરવાદ મનોહરીને એવો વિચાર ન થયો કે કાકીને આમ ન કહેવાય. ગુણસુંદરીને હસતી દેખી એ વિચાર થયો અને ખસિયાણી પડી ગઇ. જો કાકીજીને ઠેકાણે સાસુજી હત તો ઝઘડો મચત અને કાકીજી શાંત રહ્યાં અને સહી ગયાં તે વિચારથી ઓશિયાળી બની ગઇ અને જરા ફીકી પડી. હસતે હસતે ગુણસુંદરી બોલી.

“ના, વહુ, તમે છો તો ખબડદાર. કેમ, બેટા, એમ જાણ્યું કે કાકીજીનું પોતાનું દ્દષ્ટાંત આપિયે તો એમને ક્‌હેવાનું જ ર્‌હે નહી ? પણ, જુવો, તમારાં સાસુને તમારા કરતાં બે વર્ષ વધારે થયાં હશે તે વધારે સમજે, પણ એમને કાંઇ એમ જ વશ્યુ હશે કે તમને કુળલાજ શીખવવી ત્યારે કાંઇ કહ્યું હશે. પણ, ચાલો, હવેથી હું એવું કરી આપું કે એ તમને કાંઈ ક્‌હે નહી – તો પછી તમે એવું કરશો કે તમને કંઇ ક્‌હેવા વારો જ એમને આવે નહી ?”

“ઠીક, એમનાથી જ કહ્યા વગર રહેવાશેસ્તો ! વહુને નહીં ક્‌હે તો દીકરાને ક્‌હેશે, કાકીજી, તમે એમનો સ્વભાવ જાણતાં નથી. આ હું તમને વળગતી રહું તો એ એમ જ ક્‌હેવાનાં કે જા, કાકીજીને સાસુ ક્‌હે – મ્‍હારું શું કામ છે ? એમની આંખમાં તો શનિશ્ચર બહુ છે તે તમને ખબર નથી. ખબર પડશે ત્યારે જાણશો. મહાદેવના ગુણ તો ભયડો જાણે ને સાસુના ગુણ વહુ જાણે."

બહુબોલી વહુનું બોલવું સાંભળી, તેનું ખરાપણું મનમાં સમજી, ગુણસુંદરી એને માથે હાથ મુકી હસતી હસતી બોલીઃ “પણ, વારુ, એ કોઇને મ્‍હોડે ન બોલે તો.? "

“તો શું ? પણ એને શું ગમતું હશે તે મને શી ખબર પડે ?