આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮

એમને તો હજાર કોહ્યાવેડા કરવા તે મને સુઝે યે નહીં ને પરવડે એ નહી. ને હું કાંઇ એમની બંધાયેલી કે શું ? ના, એ કંઇ ન બને ! હું તો ઘણું ત્યારે તમારું કહ્યું કરું કે મ્‍હારી દાઝ જાણો છો.”

“વારું, પણ મ્‍હારું તો કહ્યું કરશો કે નહી ?”

“હા જાવ, એટલું કરીશ, પણ તમે જાણો કે સાસુનું કહ્યું કરે તે થવાનું નહીં. નહી–નહી–ને નહી. એમનું મ્‍હોં મને દીઠું ન ગમે. મને વીતાડવામાં બાકી રાખી નથી. તમે તે મને કાચે સુતરને તાંતણે બાંધો તો બંધાઉં, પણ સાસુ તો દોરડાંના બંધ બાંધે તેમાંથી ચસકી જાઉં, ને જોવા જેવું કરું તે વળી જુદું. ”

ગુણસુંદરીએ ધીમે ધીમે મનોહરિને હાથમાં લેઇ લીધી, ચંડિકાને સમજાવી સમજાવી પ્રથમ ઠેકાણે આણી. દીકરા વહુનો સંસાર જોઇને રાજી થવાની એને ટેવ પાડી, જુવાન છોકરાંની ભુલો ઠપકાથી નથી સુધરતી તેની ખાતરી કરી આપી, તેમને ઘટતી સ્વતંત્રતા આપવાનો સ્વભાવ પડાવ્યો. દીકરા પાસે વહુની વાત કરવી તો વખાણ જ કરવાં એવી રીત રખાવી. વહુને સુધારવી હોય તો મને ક્‌હેજો એટલે હું તમારું ધાર્યું પાર ઉતારી આપીશ એવું કહ્યું. ઘણા પ્રયત્નથી ઘણે દિવસે ગુણસુંદરી આટલું કરી શકી. મનોહરીને પણ પોતાની પાસેજ રાખે, પોતે બ્‍હાર જાય ત્યારે એને શૃંગાર સજાવી સાથે રાખે, એના જુવાન અભિલાષને થોડા થોડા પાર પાડે એટલે બાકીના અભિલાષ બ્‍હાર ન ક્‌હાડવાનું મનોહરી પોતેજ સમજે એમ કર્યું; જુવાનીની વાતો કરતાં તેને અટકાવે નહીં; પણ તેમ જ “રસનું તે ચટકું – રસનાં કંઇ કુંડાં ન હોય ” એ શાસ્ત્રની મર્યાદા બંધાવી; મનોહરી કોઈ પુરષની વાતો કરવા જાય તો તે ન સમજે એટલી ચતુરાઇથી તે વાતો બંધ કરાવી, આડી વાતો ક્‌હાડી, એના પતિ હરિપ્રસાદની વાતો ક્‌હાડી, તેની ગુણપ્રશંસાના પ્રસંગ આણી, પતિવ્રતપણાના માર્ગ ઉપર લીધી; અને અંતે છકેલી મનોહરીનો છાક તો ન ગયો, પણ એ છેક પ્રથમ ઘરનાં માણસને ત્રાસ આપતો તેને ઠેકાણે તેમનો પક્ષ ખેંચનારો થઇ પડયો, અને બ્‍હારનાં કોઇ માણસ વિધાચતુરના ઘરનું કાંઇ ખોટું બોલે તો તેટલીજ વાતમાં તે માણસો સાથે લ્‍હડવામાં આવી રહ્યો. હરિપ્રસાદનું શરીર જુવાની આવતાં ખીલ્યું ત્યાંસુધી મનોહરીની જુવાની સાપની પેઠે ફૂંફાડા મારતી હતી તેને ગુણસુંદરીએ ચતુરાઇથી વશ રાખી, અને વરકન્યા વયમાં અને શરીરમાં આવી મળ્યાં એટલે ગઇ ગુજરી વીસારી સુખી થાય એવો માર્ગ સવળો કરી આપ્યો.