આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨

નજર ન જાય એમ તેની આડે ઉભી રહી. ડોસો ચેતી ગયો કે આ પેટીમાં દાગીના છે એટલે અચિંત્યો, આંખો ક્‌હાડી, કુદ્યો, અને દુઃખબાનું ગળું ઝાલી, ઓઠ પીસી બેલ્યોઃ “કેમ, હાથે આપે છે કે અમે લઇયે ? ”

બ્હીનેલી દુ:ખબાએ પેટી ઉઘાડી સઉ દાગીના બાપના હાથમાં મુક્યા. સસરો જમાઇ તે લેઇ ત્યાં આગળથી ચાલ્યા ગયા. દુ:ખબાએ આખી રાત રોવામાં ઉજાગરો કરી ક્‌હાડી. પ્રાત:કાળે ડોસો અને સાહસરાય છાનામાના ગામમાં જઇ દાગીના ગીરે મુકી આવી દ્રવ્ય લઇ આવ્યા.

આણીપાસ તે જ વખતે ગુણસુંદરીએ પણ પોતાના શરીરપરથી અલંકાર ક્‌હાડી વિદ્યાચતુરને આપ્યા અને વિદ્યાચતુરે તે લેઇ પોતાની પેટીમાં મુકયા. અલંકાર વિના અડવી થયેલી પત્નીના સામું જોઇ રહ્યો. “ગુણિયલ ! આ અલંકાર ઉતારી ત્હારા મનમાં કાંઇ દુ:ખ નથી થતું ? ત્હારા મ્હોંપર શોકની છાયા દેખાય છે, ત્હારા ગાલ ઉપર દુ:ખના શેરડા પડ્યા છે; હશે, હવે ત્હારો મમત રહ્યો, જાણ્યે અજાણ્યે અલંકાર આપવાનું બોલાઇ ગયું તે ત્હેં પાળ્યું. તમાચો મારી તું ગાલ રાતા રાખે છે. હશે, એટલાથી જ હું પ્રસન્ન છું, તું મ્હોંયે ક્‌હે નહી પણ મનમાંથીએ તને દુઃખ થાય એટલું હું ઇચ્છતો નથી. ચાલ, હું આટલાથી પ્રસન્ન છું – લે, આ અલંકાર પાછા પ્હેર ! એના વિના તું શોભતી નથી.”

ગુણસુંદરી સ્મિતહાસ્ય કરવા મંડી ગઇ.

“જો તમે ક્‌હો છો એવીજ મ્હારા મનની સ્થિતિ હત તો આ વચન દાઝયા ઉપર ડ્હામ જેવાં થાત એમાં ના નહીં, પણ મ્હેં જે કર્યું છે તે તો તમને પણ પ્રસન્ન કરવા નથી કર્યું. મમત તો મ્હારે એટલો ખરો કે મ્હારું ધાર્યું કરવું, તે થયું. કુમારી પરણી અને તમને અલંકાર આપ્યા. એટલું મ્હેં ધાર્યું હતું તે થયું. આ કામ કંઇ તમારી ખુશામત કરવા ન્હોતું કર્યું. અલંકાર વિના હું શોભતી નહી હઉં એ વાત તે ખરી હશે – રૂપ ગુણ વગરની સ્ત્રીને રૂપની ખોટ પુરી પાડવાને જ અલંકાર છે. પણ મ્હારા ચતુર ! ચતુર થઇ કેમ ભુલો છો ? આપણે તો છોકરવાદીમાં પરણ્યાં હતાં. તમે મ્હારા રૂપ ગુણને કે અલંકારને પરણ્યા ન્હોતા. એક મ્હારી જાતને પરણ્યા હતા. કદ્રૂપી કે ગુણહીન જેવી તેવી તે હું જ - હવે તો