આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮

છે તે ખાલી કરીશ ” એ શબ્દો મનમાં ફરી ફરીને આણી હજાર તર્ક કરવા લાગી, અને બીજી પાસથી સ્વારોને સુવર્ણપુરના, વ્‍હેવાઈના, જમાઇના, અને દીકરીના સમાચાર પુછવા લાગી. અંતે સ્વાર રજા લઇ ચાલ્યા ગયા, રાત્રિ એકદમ જગત ઉપર તુટી પડી, ઠેકાણે ઠેકાણે દીવાઓમાં તેજ આવ્યું અને તેનો છિન્નભિન્ન પ્રકાશ સ્ફુરવા લાગ્યો. ચારપાસની વસ્તી ધીમે ધીમે રજા લઇ વેરાવા લાગી અને પોતપોતાના ઘરભણી પ્રધાનપત્નીની સુજનતાની વાતો કરતી વળી. તેમનો અને છોકરાંનો કોલાહલ અંધકારમાં પળવાર ગાજી રહ્યો, અને થોડાકમાં શાંત થયો. રાત્રિ એકલી જ રહી લાગી. વાળુનો વખત થયો અને માનચતુરે આજ્ઞા કરી કે આજ તો સ્ત્રીમંડળે પણ મ્‍હારી સાથે જ બેસવું કે ધણે દિવસે એકઠાં જમવાનો લાભ મળે. સઉ વાળુ કરવા બેઠાં. એક ગરીબ માબાપ વગરની છોકરી ગુણસુંદરીએ ઉછેરી મનહરપુરીમાં મ્‍હોટી કરી હતી તે પણ પાસે બેઠી. માનચતુરને ગામડાનાં ગીતોનો રસ હતો તેથી તેણે કહ્યું એટલે વાળુની સાથે તે છોકરીએ ગીત ગાવા માંડયું તેમાં સઉ લીન થઈ ગયાં.

“ગુણસુંદરીબા, સાંભળજો, દીકરી સાસરેથી સંદેશો ક્‌હાવે છે.

“જઇ ક્‌હેજો મા ને બાપ, દીકરી તમારી રે,
“મરી ગઇ સાસરિયામાંય પરદેશ નાંખી રે; જઇ૦ ૧
“નણદી દેછે મ્‍હેણાં રોજ, સાસુ સંતાપે રે,
“મ્‍હારો માવડિયો ભર્તાર કાળજ કાપે રે; જઇ૦ ૨
“ક્‌હાડું અંતરની હો વરાળ કોની પાસે રે ?
“કરું હું કુવો કે તળાવ ? મન મુઝાયે રે જઇ૦ ૩
“મ્‍હારો જીવવામાં નથી જીવ; પણ ઓ માડી રે !
“તને મળવા તલસે જીવ, નથી તું જતી છાંડી રે જઇ૦” ૪

કુમુદસુંદરીનો કાગળ મન આગળ તરતો હતો તેવી ઘડિયે આ ગીત ગુણસુંદરીને ચિત્તવેધક થયું. તેની આંખ સુધી આંસુ ઉભરાયાં અને બ્‍હેબાકળી જેવી તે થઇ ગઇ, “પરદેશ નાંખેલી દીકરીની આ દશા ! કોઇની પાસે મનની વરાળ ક્‌હાડવાની નહી ! સુંદરભાભી, કુમુદનો કાગળ વાંચ્યા પછી મારું કાળજું કહ્યું નથી કરતું. ગા, છોકરી, ગા.” છોકરીએ જરા વધારે લ્‍હેંકારી બીજું ગીત ગાવા માંડ્યું . અને તેની સાથે ગુણસુંદરીનું હૃદય વલોવાઇ જવા લાગ્યું, વીંધાઇ જવા લાગ્યું, અને તે શુમ્ભ જેવી બની સાંભળવા લાગી. અન્નનો કોળિયો તેના હાથમાંને હાથમાં જ રહી ગયો. છોકરી બોલી.