આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભીમજી વૃદ્ધ ગરાસિયો હતો અને સુરસંગની સાથે નિ:સ્વાર્થી પ્રીતિને લીધે બ્‍હારવટે નીકળ્યો હતો અને સર્વે મંડળમાં અત્યન્ત વિશ્વાસનું પાત્ર હતો. રજપુત લોહીના પ્રવાહને વૃદ્ધાવસ્થાએ કાંઈક શાંત કર્યો હતો અને અનુભવે તેમાં ડ્‌હાપણનો પટ ભેળવ્યો હતો. બ્‍હારવટિયા સુરસંગની એક ખાસ ટોળીનો તે નાયક હતો. રત્નનગરી અને સુવર્ણપુરની સીમ તેને સોંપી હતી. ચદ્રકાંતના રથ ઉપર તેણે હુમલો કર્યો હતો અને તે બાબતના સમાચાર તેની પાસે હતા.

ચંદનદાસ એક વાણિયો હતો અને તે છતાં કદાવર તથા લ્હડવઇયો હતો. રજપુતોના પરિચયથી તેમનો પટ તેને બેઠો હતો. જાતિગુણનો તેનામાં માત્ર એટલો જ અંશ હતો કે સામ દામ અને ભેદથી કામ થાય ત્યાંસુધી દંડસાધન ઈચ્છતો ન હતો અને સ્વાર્થવિના લ્‍હડી પડવું એ તેની પ્રકૃતિ ન હતી.

સરસ્વતીચંદ્રને લેઈને સુવર્ણપુરથી નીકળેલું ગાડું આંબા અને તાડનાં વન વચ્ચેના રસ્તાના આરંભ આગળ આવી પહોચ્યું ત્યારે પાછલા પ્‍હોરના ત્રણ વાગવા આવ્યા હતા અને આંબાઓની ઘટામાં ચંદનદાસ બ્હારવટિયાઓનું એક ટોળું લેઈ પડાવ નાંખી રહ્યો હતો અને સંન્યાસીને વેશે સુવર્ણપુરની સ્થિતિ તપાસી આવતા સુરસંગની વાટ જોતો હતો. સુરસંગ જેલમાં જઈ શઠરાયને મળી આવ્યો હતો, ગરબડદાસસાથે બ્‍હારોબ્‍હાર સંબંધ રાખવા ટપાલ ગોઠવી મુકી હતી, સરસ્વતીચંદ્ર બુદ્ધિધનના ઘરનો માણસ છે એ તપાસ કરી હતી, રાણાના મ્‍હેલમાં પહેલીજ રાત્રે તે ગયો હતો એ ખબર મેળવી હતી, અને તેને પકડ્યાથી લાભ સમજી તેના ગાડા જોડે ચાલતો હતો.

આંબા અને તાડના વનના મુખ આગળ ગાડું આવ્યું અને ઉઘાડું મેદાન બંધ પડયું એટલે સુરસંગ ગાડાથી આગળ નીકળ્યો. ચંદનદાસ ઝાડીમાંથી બહાર આવ્યો અને સુરસંગે કરેલી સાન ઉપરથી ચેતી આઠેક માણસો હથિયારબંધ લેઈ ગાડાઉપર ત્રુટી પડ્યો. એક જણે તરવારવડે જોતરાં કાપી બળદનો કબજો લેઈ લીધો ગાડાવાળો રાશ લેઈ એકપાસ ઉભો અને ધ્રુજતો ધ્રુજતો કહેવા લાગ્યો. “ બાપુ બ્રાહ્મણ વાણિયાં કાંઈ સામાં થાય એવાં નથી. અમસ્તી હત્યા ન કરશો – પાસે હશે તે આપશે અને ક્‌હેશો તે કરશે. હું તો મ્હારે ગાડીવાળો છું.”

ગાડીમાંથી વાણિયાને એક જણે ઉંચકી હેઠે નાંખ્યો અને તે