આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯

કુમુદનો કાગળ સાંભરું ત્યારે કોણ જાણે શું દોહ્યલું મને ભરાઇ આવેછે ને ર્‌હેવાતું નથી." આટલી વાતચીત થાય છે એટલાથી ચકોર કુસુમ ઉઠી ઉભી થઇ, અને તે ઉભી થઇ નથી એટલામાં બારણે કોઇ કડું ઠોકતું અને ધીમેથી બોલાવતું સંભળાયું : "ગુણસુંદરીબા, ગુણસુંદરીબા; જરી ઉઘાડો !" સઉએ કાન માંડ્યા; કુસુમ બોલી ઉઠી "ફતેહસંગનો સ્વર ! ગુણિયલ ઉઘાડું?" હાનો ઉત્તર મળતાં એ ઉઠી અને બારણું ઉઘાડતાં ફતેહસંગ હાથમાં ફાનસ લેઇ દાખલ થયો; અને ફાનસ પાસે મુકી ગુણાસુંદરીનાથી કંઇથી છેટે બેસી, તરવાર ઉભી રાખી, તેની મુઠ ઉપર હાથ મુકી, બોલ્યો.

"બધાં વચ્ચે ક્‌હેવાય નહી એવી વાત હતી એટલે તે વખત કહી નહી; તે હવે ક્‌હેવા આવ્યો છું."

સૌ આતુરતા વધી. ફતેહસંગે કુમુદસુંદરીએ સરસ્વતીચંદ્ર વીશે ક્‌હાવેલ સમાચાર કહ્યા અને બ્હારવટિયા એને ખેંચી ગયા ત્યાંસુધી અથ-ઇતિ કહી બવાવ્યું. છેવટે વધારે પત્તો મેળવવા હરભમજી ગયો હતો તે પણ કહ્યું.

ગુણસુંદરી અકળાઇ. "હેં, શું સરસ્વતીચંદ્ર જડ્યા એ ખરા ને ખોવાયા પણ ખરા ? શું એને બ્હારવટિયા ખેંચી ગયા ? અરેરે ! - સુંદર એમનો ઉતારો બુદ્ધિધનને ઘેર હતો - કુમુદના પત્રનો અર્થ સમજ્યાં કની ? હૈયું ખાલી કરવાનું એ લખે છે તે એ જ - બીજું શું ? - વડીલને અને ચંદ્રકાંતને ઉઠાડી સમાચાર કહીશું ?"

"નાજી, શું કામ છે તેમને અત્યારે મોડી રાત્રે જગાડીને?" ફતેહસંગ બોલ્યો.

ચંદ્રકાંત નામના સરસ્વતીચંદ્રના ભાઇબંધ છે તે બીચારા એમને જ શોધવા આવ્યા છે." સુંદર બોલી.

ગુણસુંદરી કંઇક શાંત થઇ, વિચારમાં પડી, નિ:શ્વાસ મુકી બોલી : શા સારા સમાચાર ક્‌હેવાના છે? દુઃખના માર્યા અને થાક્યા પાક્યા બીચારા અત્યારે જ સુતા છે તે સુવા દ્યો. જાગીને શું કરવાના હતા? સમાચાર જાણશે એટલે આખી રાતની ઉંઘ ખોશે ને હરભમ આવ્યા સુધી કંઇ કરવાનું નથી. જા, ભાઇ ફતેહસંગ, સવારે જ સઉને જગાડીશું. પણ હરભમ આવે એટલે તરત એને લાવજે ને અમને જગાડજે."