આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧

"બા ઉઘાડો, એ તો હું ફતેહસંગ અને હરભમજી."

ઉત્તર પુરો થતાં પ્હેલાં બારણું ઉઘડ્યું અને કુસુમના હાથમાં ફાનસ હતું તેનું અજવાળું ત્રણે પુરુષોના મુખ પર બરોબર પડ્યું. બારણાં વાસી સર્વ અંદર આવ્યાં. ગુણસુંદરી અને સુંદર ખાટલામાં બેઠાં, કુસુમ તે બેની વચ્ચે ભરાઇ ગઇ, મ્હોં આગળ ખાટલાં પાસે ફાનસ મુક્યું, થોડે છેટે સામા પુરુષો બેઠા, અને તેમાં જરાક આગળ ઉંધે પગે બેસી હરભમજી ખોંખારતો ખોંખારતો સમાચાર ક્‌હેવા લાગ્યો. અથથી ઇતિ સુધી બ્હારવટિયાઓની કથા અને કુમુદસુંદરીને પકડવા તેમણે કરેલો સંકેત આખર કહી બતાવ્યો, અને ક્‌હેતો ક્‌હેતો બોલ્યો:

"બા રજ પણ ગભરાશો નહી. એક પાસ બુદ્ધિધન ભાઇની હાક વાગે છે અને બીજી પાસ મહારાજ મણિરાજના નામથી જગત કંપે છે. વિદ્યાચતુર ભાઇનાં છોરુ ઉપર હાથ ઉપાડનારનું ભવિષ્ય ફરી વળ્યું સમજવું !"

સુંદરગૌરી રોઇ પડી, કુસુમ કંપવા લાગી, અને ગુણસુંદરી સજડ થઇ ગઇ: ફતેહસંગ, એકદમ વડીલને જગાડ" - સઉ માનચતુરના શયનખંડ ભણી દોડ્યાં.

સઉના પગના ધસારાથી જ, વગર ઉઠાડ્યા માનચતુર અને ચંદ્રકાંત જાગી ઉઠ્યા અને બારણું ઉઘાડી બ્હાર આવ્યા અને ગભરાયલા જેવા પુછવા લાગ્યા : "શું છે? શું છે?"

ગુણસુંદરીએ ઉતાવળથી સર્વ સમાચાર કહી દીધા. સરસ્વતીચંદ્ર બ્હારવટિયાઓના હાથમાં ગયો સાંભળતાં જ ચંદ્રકાંત નરમ બની ગયો. એનું તો જે થયું તે થયું - તરત તો કુમુદસુંદરીને બચાવવાના વિચારની વધારે અગત્ય હતી - પ્રધાનની બાળાના ઉગ્ર ભાવિના શીઘ્ર કર્તવ્ય આગાળ સરસ્વતીચંદ્રના સમાચાર, ભૂતકાળના સમાચાર જેવા બની, પ્રાતઃકાળના ચંદ્રોદય પ્રસંગે ચંદ્ર દેખાતામાં જ સૂર્યપ્રકાશમાં લીન થાય તેમ થયા. માત્ર ચંદ્રકાંત જ એ સમાચારથી અંતર્માં દાઝતો રહ્યો,અને ખીજવાતો ગયો; સરસ્વતીચંદ્રના હઠાગ્રહને ગાળો દેવા લાગ્યો તેમ જ પોતાની પણ મૂર્ખતાને ગાળો દેવા લાગ્યો. "મ્હેં આ ડ્‌હાપણ કરી પત્ર લખ્યો તે સુવર્ણપુર પ્હોચેલો તેમાં જ એણે સુવર્ણપુર પણ્ છોડ્યું." દીન બની વિચારવા લાગ્યો, "હવે મ્હારે તેને ક્યાં ખોળવો? - મને એ પત્ર લખવો ક્યાં સુઝ્યો? -