આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩

હરભમ બોલી ઉઠ્યો :- "હા જી, બરોબર છે. વિદ્યાચતુરભાઇના બંદોબસ્તમાં કોઇની આંગળી ખુંપે એમ નથી અને મણિરાજ મહારાજની આણથી બધો મુલક થરથરે છે - તે ત્યાં વગર ફોજે ફોજ છે. આ ગામમાં માણસો ર્‌હે તે તો ઠીક. ગમે તેને રાખો."

પુત્રની સ્તુતિથી ઉત્કર્ષ પામતો ડોસો બોલ્યો: "હરભમ, મુખી વડથી તે નદી સુધીનો રસ્તો સાચવી શકાશે, એમાં વાંધો નથી." હરભમનો મત માગતો હોય, અને મુખીની હીમ્મત નાણી જોતો હોય તેમ ડોસો તેમના સામું જોઇ રહ્યો. મુખીએ તરવારપર હાથ મુકી દાંત પીસ્યા તે દીવાને અજવાળે ચળક્યા. શુભ શકુન ગણી ડોસો બોલવા લાગ્યો.

"ફતેહસંગ, ત્હારે પુલ આગળ અને કોતરોમાં ર્‌હેવું અને ભીમજીને અને પ્રતાપને આંચમાં રાખવા. એ તો તને આવડશે." ફતેહસંગે પોતાની મુછો આમળી.

હરભમ હસ્યો: "ગાજ્યો મેહુલો વરસે નહી, માટે ગાજ્યું કાંઇ વધારે છે?"

ડોસો:-"ઠીક ત્યારે, વરસો. અત્યારે ને અત્યારે ત્હારે સુરસંગનો પત્તો ખોળી ક્‌હાડવો અને ચોથી તુકડી લેઇ એવી રીતે ર્‌હેવું કે એના સાથી એની સાથે મળવા કે સંદેશો પ્હોંચાડાવા પામે નહી અને ભાઇસાહેબ નદી કે રસ્તો ઓળંગી પેલી પાસ જવા પામે નહી અને જ્યાં જાય ત્યાં તને જ સામો દેખે!"

હરભમ આ મ્હોટા કામથી ખુશ થઇ બોલ્યો: "બસ, એ તો થયું સમજો. પણ હજી એક તુકડી રહી."

ડોસો: "ત્હારા મનમાં ધીરજ નથી તે બોલવા સરખું ક્યાં દે છે જે? એ તુકડી અબ્દુલ્લાને સોંપું છું."

"અબ્દુલ્લો તરવાર બ્હાદુર છે પણ ત્યાં તો બુદ્ધિવાળું કપાળ જોઇએ. કુમુદબ્હેનને આવવાનું ત્યાં આગળ પરતાપ પણ પાસે રખડવાનો; તે કપટ કરવાનો એ નક્કી. અબ્દુલ્લો એને નહી પ્હોચે" હરભમ બોલ્યો.

ડોસો બોલ્યો: "હું જઇશની અબ્દુલ્લા જોડે જ !" ડોસો છાતી ક્‌હાડી બોલ્યો.