આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭

ઈશ્વરસનાથ હું આવી પ્હોચ્યો અને જે દશા અંતે થવાની તે આજથી આણી ! ગૃહ અને લક્ષ્મીનાં જળ ચીરી નાંખ્યાં !”

 
"આમ જ ચોરો એ દમ્ભ નીચે,
“આમ જ એ સઉ દમ્બ નીચે,
“ઉતરી પડ્યો હું નીચે નીચે !
“એ જગ-દમ્બ તણા સાગરની નીચે નીચે આવ્યો !
“સમુદ્રતળિયે ઉતરી પડ્યો, પડી નીચે નીચે આવ્યો !”
“આમ જ હજી આ દમ્ભ નીચે,
“કામણ કંઇ મુજ કાજ હીસે;
“ધન્યભાગ્ય ! આ દમ્ભ નીચે,
“હજીય ઉતરી પડું નીચે નીચે

“નીચે નીચે ! !"

"મુંબાઇનગરીના લક્ષાધિપતિપણામાંથી બુદ્ધિધનના ઘરમાં ક્ષુદ્ર અતિથિની અવસ્થામાં, ત્યાંથી આ અન્ય અરણ્યમાં – અને અંહીથી પણ નીચે હવે જવાનું નિશ્ચિત!”

પોતે-બોલે છે તેના પણ ભાન વિના આ શબ્દો બોલી, તેનો પડઘા સાંભળતો – ઉત્તર સાંભળતો હોય તેમ, મનમાં ને મનમાં આનંદ પામતો, અંધકારને જોતો, ક્રૂર ગર્જનાઓ સાંભળતો, અંધકારમાંથી શાંત તેજ નીકળતું હોય અને ગર્જનાઓને ભેદી આઘેથી ઝીણું કોમળ ગાન આવતું હોય અને તે તેજને જોવાને અને ગાનને સાંભળવાને રસિક આતુર બનતો બનતો, હૃદય ઉપર હાથનો સ્વસ્તિક રચી સરસ્વતીચંદ્ર કેટલીક વાર સુધી એમને એમ ઉભો.

જે ક્ષણે સરસ્વતીચંદ્ર જડ જેવો, મૂર્ખ જેવો, શબ જેવો, સ્વપ્નસ્થ જેવો, સમાધિસ્થ જેવો, આ પ્રમાણે ઉભો હતો તે પ્રસંગે રાત્રિ પણ, એના જેવી જ નિરંકુશ બની, સંસારનાં સુખ-દુ:ખની ચેતના નષ્ટ કરી, નિશ્વેતન જેવી પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી વ્યાપી રહી. જડ જેવી ઉભી રહી; કર્તવ્ય-અકર્તવ્યનું–યોગ્ય-અયોગ્યનું–ભાન નષ્ટ કરી, મુકુટ ધારણ કરનારાઓને સ્ત્રીવશ કરી, પંડિતોને બુદ્ધિહીન નિદ્રાવસ્થામાં નાંખી, બ્રહ્મચર્યા અને સંન્યાસના વ્રતસ્થ પુરુષોને સ્વપ્નસૃષ્ટિમાં રમાડી, સ્થળે સ્થળે મૂર્ખચેષ્ટા કરી રહી; વસ્ત્રહીન પ્રકાશહીન ચેતનહીન થઇ ગયેલા સંસારરૂપ આ મહાસ્મશાનમાં નિશ્ચેષ્ટ