આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧

જવાનું તેવી જ રીતે આ મહાભયપ્રસંગે પણ સરસ્વતીચંદ્ર એકલો અનાથ ભાંય નાંખેલા જેવો કાળરાત્રિના ઘોર ભયભૈરવનું ઉગ્ર સ્વપ્ન જોવા લાગ્યો. ઉઠવાની શક્તિ નહી તો નાસવાની ક્યાંથી હોય ? નાસીને પણ આ અજાણ્યા જંગલમાં અંધકારે કેઇ દિશાએ જવું? ગમે તો ભુખ અને અશક્તિથી અથવા ગમે તે કોઇ ભયંકર પ્રાણીના મુખમાં આહુતિ પેઠે પડી, સંસારને છેલા નમસ્કાર કરવાનો પ્રસંગ પ્રત્યક્ષ લાગ્યો. તેની સાથે ભૂતકાળ દૃષ્ટિ આગળ ખડો થયે. પિતા, કુમુદસુંદરી, અને પ્રિય ચંદ્રકાંતનાં દીન મુખ નેત્ર આગળ આવી ઉભાં, અને તે સર્વનાં નેત્રમાં આંસુની અખંડિત ધાર વ્હેતી દેખાઇ. બોલવાની શક્તિવગર, બોલ્યાવગર, સરસ્વતીચંદ્રનો આત્મા જ આ જોઇ રોવા લાગ્યો; સઉની ક્ષમા માગવા લાગ્યો, કરગરવા લાગ્યો, બ્રહ્મહત્યા જેવી સ્નેહહત્યા ફરી ફરી સાંભરી આવી તેના આખા શરીરને કંપાવવા લાગી; એની આંખોમાંથી આંસુ જાતે નીકળવા લાગ્યાં અને બેપાસ આંખના ખુણામાંથી લમણા ઉપર થઈ કાન આગળ થઇ પૃથ્વીપર પડવા લાગ્યાં; તેને શીત આવ્યા જેવું થયું; રોવાની શક્તિ હત તો પોકે પોક મુકી રોવાઇ જાત, પણ રોવા જેટલી શરીરમાં શક્તિ સરખી ન હતી તેથી શરીર અને મુખ રાંક થઇ ગયાં; લક્ષ્મીનંદન, કુમુદસુંદરી, અને ચંદ્રકાંત એ શબ્દથી ભરેલા નિ:શ્વાસ અને પ્રાણ છાતીમાં ધડકવા લાગ્યા; એ નિઃશ્વાસ અને પ્રાણ હવે તો જાય તો સારું એવું ઇચ્છી તેનો માર્ગ મોકળો કરવા ગરીબડું મુખ પહોળું થઇ ગયું; પગ ચુસાવા લાગ્યા પણ હલાવવાની શક્તિ ન હતી; પેટમાં દાહ ઉઠવા લાગ્યો અને યમરાજના દૂતનાં પગલાંના જેવા ધબકારા સંભળાયા. અત્યારે એને કોઇ અગ્નિદાહ કરવા ન્હોતું; એનાં શબ પાસે મરણપોક મુકનાર પણ ન હતું. માત્ર અંધકાર ભરેલું જંગલ ભયાનક અને ગંભીર દેખાવ ધારણ કરી ચારે પાસેથી ત્રાડો નાંખતું, મારેલા શીકારપાસે ગાજતો વાઘ બેઠો હોય તેમ, બેઠું હતું અને ખાવા ધાતું હતું.

એવામાં રસ્તાની એક બાજુ પરની ઝાડીમાં કાંઇક ખખડાટ થયો, અને થોડી વારમાં એક મહાન અજગર – કાળો નાગ – ફુંફવાડા મારતો ઝાડીમાંથી રસ્તાઉપર દાખલ થયો, અને ફુવારાના પાણીપેઠે ઉછળતો ઉછળતો સરસ્વતીચંદ્ર પડ્યો હતો એણી પાસે સમુદ્રના - અટકે નહી એવા – મોજાપેઠે આવ્યો. સરસ્વતીચંદ્રના અશક્ત શરીરમાં એના ધસારાએ અને ફુફવાડાએ અચિંતી લેશ શક્તિ આણી અને