આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭

આવ્યાં હતાં. પણ બુદ્ધિધને તેમની વાત જાણી, એવું જાણવાથી તેમના આ રંગમાં ભંગ પડ્યો, એટલું જ નહી, પણ બુદ્ધિધને પોતાને કાંઇક શિક્ષા કરવા ધારી છે તે જાણી ગભરાટ વછુટ્યો. નવીનચંદ્ર મદદ કરવાની ના કહીને ચાલ્યો ગયો જાણી, ગભરાટ વધ્યો, અને સલાહ લેવાનું કોઇ ન મળતાં કૃષ્ણકલિકાને શોધી ક્‌હાડી તેની જ સલાહ લેવા ધાર્યું. કૃષ્ણકલિકાને સંદેશો મોકલી રાજેશ્વરમાં બોલાવી; એણે અક્કલ આપી કે કુમુદસુંદરી અને નવીનચંદ્રને આડો સંબંધ છે તે વાત મ્હેં તમને કહી અને તે જાણવાથી કુમુદસુંદરીએ આ આરોપ ઉભો કર્યો છે એવું તમારે ક્‌હેવું, પ્રમાદધન ઘેર ગયો અને વિચાર સુઝયો કે આ વાત કહીશું તે કોઇ માનશે નહી. એ વાતને ટેકો આપવા શું કરવું તેનો વિચાર કરતાં કરતાં મેડીમાં ફર્યા કર્યું અને ફરતાં ફરતાં “મર્મદારક ભસ્મ ” બની ગયેલા કાગળોમાંનો એક કાગળ કુમુદસુન્દરીએ ફાડી નાંખેલો પણ તેના ઝીણા કડકા થયેલા તેમાં ચારપાંચ કડકા બાળી નાંખવા રહી ગયેલા તે પોતાના ટેબલ નીચે પડેલા હાથ આવ્યા, તેને સાંધી વાંચી જોયા, નવીનચંદ્રના અક્ષર ઓળખ્યા, વાંચવા માંડ્યાં, અને તે વાંચતાં એવું લખેલું નીકળ્યું કે

“ હતી લક્ષ્મી ! હતા તાત ! હતી વ્હાલી ! હતો ભ્રાત !”

આટલું બેસતામાં પ્રમાદધન આનંદમાં આવી ગયો; - વ્હાલી એવું “નવીનચંદ્રે લખ્યું ! આથી શો બીજો પુરાવો ?” વળી ક્રોધ ચ્હડયો: “વાહ વાહ ભણેલી ! મને ખબર નહી કે નવીનચંદ્રની વ્હાલી તું હઇશ !” આ વિચાર કરે છે એટલામાં કુમુદસુંદરી આવી પ્રમાદધનની મુખમુદ્રા ઉપર કંઇક નવો જ ફેર પડેલો તે ચતુરા ચેતી ગઇ. એ કંઇ પુછે એટલામાં તે પ્રમાદધન જ ધડુકી ઉઠયો : “કેમ, મ્હારાં ડાહ્યાં ને શાણાં ભણેલાં ! તમે આવાં ઉઠ્યાં કે ?”

કુમુદસુંદરી અત્યાર સુધીના દુ:ખમાં જડ બની ગઇ હતી, બેભાન જેવી થઇ ગઇ હતી, તે આ અપૂર્વ પુષ્પાંજળિના વર્ષાદથી ચમકી જાગી ઉઠી, જોઇ રહી, ધીરજ પકડી, અત્યંત નરમાશથી ધીરે પણ સ્થિર સ્વરે બે અક્ષર બોલી : “શું છે?”

અધીરાની ધીરજ રહી નહી, અને વધારે ખીજાઇને બોલ્યો : “શું છે - શું છે -શું ? આ પેલા નવીનચંદ્રની વ્હાલી થનારી તે તું ! નહી કે ? વાંચ આ અને ફોડ આંખો !” કાગળના કડકા ધ્રુજતી કુમુદ ઉપર ફેંક્યા.