આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧

અનેક અનેક વિચારો કરતી બાળા હાલતા ખડખડતા રથમાં શરીર અને મન થાકી જતાં ઉંધી ગઇ, ઉંઘમાં ને ઉંઘમાં થોડી થોડી વારે જરી જરી રોવા લાગી. એનું નિર્દોષ અને દુઃખી ચિત્ત આ અનેક ખટપટથી ભરેલા દુષ્ટ સંસારમાંથી પળવાર વિરામ પામ્યું ન પામ્યું થયું. સ્વપ્નસંસારે પણ એની નિદ્રાને શાંત થવા દીધી નહીં. છતાં સ્ત્રીજાતનો, પક્ષ ખેંચી નિદ્રામાતાએ સર્વ ક્રૂર સ્વપ્નોને કુમળા મગજમાંથી હાંકી ક્‌હાડ્યાં, અને પવિત્ર દીકરીની ધડકતી છાતી ઉપર અદૃશય આશ્વાસક હાથ ફેરવવા લાગી.

અંધારી પાછલી રાત્રે તારાઓના પ્રકાશથી અને મસાલોના અજવાળાથી થતા પ્રકાશ વચ્ચોવચ, મધુરી મધુરી ત્હાડ વાતી હતી તેનું સુખ અનુભવતું અને કુમુદસુંદરી જાગે નહી માટે ધીમી ધીમી વાતો કરતું સ્વારોનું મંડળ રથની ચારે પાસે ચાલવા લાગ્યું. ગામનો દરવાજો છોડ્યો અને સઉ જંગલમાં માર્ગ ઉપર ચાલ્યાં. ક્રુર માનવીઓથી થાકેલી બાળકીની દયા જાણતાં હોય તેમ ક્રૂર પશુઓ રાત પુરી થવા આવતાં શાંત થઇ સંતાઇ જતાં હતાં, તેમના સ્વર બંધ પડ્યા હતા, અને કુમુદસુંદરીને માટે આખું જંગલ નિર્ભય થઇ જતું દેખાયું. ઝાડોનાં પાંદડાંમાં, ફુલોના સુગંધમાં, સુકાતા ખખડતા ઘાસમાં, તળાવોમાં, નદિયોમાં, અને વિશાળ આકાશમાં થઇ આવતો શાંત ધીરો ઠંડો વાયુ રથના પડદાઓમાં પેસી, સ્વપ્નમાત્રને હાંકી ક્‌હાડી, ગરીબ કુમુદના નિદ્રાવશ હૃદયની શાંતિ વધારવા અને અબળાની આશિષ લેવા લાગ્યો.



પ્રકરણ ૯.
પ્રાત:કાળની તૈયારિયો.


સુવર્ણપુરી અને મનોહરપુરી વચ્ચેનો રસ્તો સુભદ્રા ઉપર પુલઉપર થઇને જતો હતો; એ પુલ પાકા પથ્થરનો બાંધેલો હતો અને એની નીચે કરેલી કમાન તળે થઇને નદી ઘુઘવાટ કરતી ચાલી જતી હતી. સમુદ્ર પાસે હોવાથી ચૈત્રમાસ છતાં પણ પાણી માથોડું માથોડું ર્‌હેતું, અને પુલ આગળ તો ઉંડાણા હતું. ઉંડાણમાં ધસી પડતું અને કમાનમાં અટકી જેરથી માર્ગ કરતું પાણી કમાનથી બહાર નીકળતાં બે પાસની ભેખડોને કાપતું તે એવી રીતે કે અજાણ્યું માણસ ત્યાં ઉભું રહે તો ભેખડ ભાગે ને માણસ નદીમાં પડી જાય. અહીં