આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦

માણસોની સંખ્યા વધારે હતી, પણ તેઓ સર્વ પાળા હતા, ત્રણ ત્રણ દિવસના અપવાસી હતા, તેમનાં હથિયાર સારાં ન હતાં, દશ દશ વર્ષના નિષ્ફળ બ્‍હારવટાંથી કંટાળેલા હતા, અને માત્ર વટને ખાતર જ સુરસંગના પક્ષમાં ઘસડાતા હતા, તેમાં અત્યારે પાછળ આવા સ્વારો આવે અને બે માણસોને સાથે ખેંચી ચાલવું ભારે પડયું તેમ જ નિરર્થક અને પોતાને વાસ્તે હાનિકારક લાગ્યું. ચન્દનદાસે પણ વણિગ્બુધ્ધિ જ ગ્રહી. આ મુસાફરોને પકડવામાં તેમની પાસે દ્રવ્ય હોય તો તે લુટવા શીવાય બીજો અર્થ સુરસંગના મનમાં હોય એવી તેને કલ્પના પણ ન થઈ, અને “ આ માણસો તો ભીખારી છે – મુકો ને પડતા” એ વિચાર કરી, એક ઉંચા ઘાસવાળી જમીનમાં ઘાસ વચ્ચે તેમને સુવાડી દઈ પડતા મુકી, પોતે ભારવિનાના થતાં સ્વારોની નજર ચુકાવી ન્‍હાસી ગયા, સરસ્વતીચંદ્રને આમ પડતો મુકયો તેની સ્વારોને ખબર ન પડી અને થોડેક સુધી દોડી નિરાશ થઈ મનહરપુરી ભણી વળ્યા.

ચંદનદાસે આ સર્વ સમાચાર વડતળેની સભાના અધ્યક્ષ સુરસંગને બ્‍હીતે બ્‍હીતે કહ્યા. સુરસંગ માત્ર એટલું જ બોલ્યોઃ “ચંદનદાસ, તું ગમે તેવો શૂરવીર છે, પણ વાણિયો છે, રાજકાજનાં કામ સમજે પણ આખરે ત્‍હારી નજર વેપારીની. હશે. ત્‍હેં ત્‍હારા ગજા પ્રમાણે કર્યું કામ સોંપતા પ્‍હેલાં કામ કરનારનું ગજું જોવું અને તેનાથી કેટલું ઉપડી શકશે એ ક્યાસ કરી જોવો – એ રાજાનું કામ છે, ત્‍હેં થયું તે કર્યું – ત્‍હારો દોષ નહી, દોષ મ્હારો કે તને કામ સોંપ્યું. ખરી વાત. દશ દશ વર્ષ થયાં રાજા મટી ધાડપાડુનો ધંધો લેઈ બેસનારમાં રાજબુદ્ધિ કયાંથી રહે? જો બુદ્ધિ હોય તો તમારા જેવા શુરવીર અને વટવાળા સાગ્રીતો સાથે હોવા છતાં શું શું બનવું ન જોઈએ ?” સુરસંગનું મ્‍હોં લેવાઈ ગયું – કારણ તેને મનથી હાથમાં આવેલું એક મ્‍હોટું સાધન જતું રહ્યા જેવું થયું. “ વારુ, ભીમજી, તમારે પણ એવી જ કથા કરવાની છે કે કાંઈ બીજી ? ભા, ચ્‍હડતાનું નસીબ ચ્‍હડાતું, ઉતરતાનું ઉતરતું બોલો, બોલો, જે હોય તે.” વૃદ્ધ ભીમજી આગળ આવી ભૃકુટી ચ્‍હડાવી તાકી જોઇ બોલ્યોઃ “સુરસંગ, ત્‍હારા બાપને માથે ત્‍હારાથી વધારે દુઃખ પડયું હતું પણ તેની છાતી આવી ન હતી – ત્‍હારા કરતાં જબરી હતી, આટલાથી તું હારી જાય છે ત્યારે હવે બીજું શું કરશે ? ત્‍હારું કામ તો એ છે કે આ બધાને હીમ્મત આપવી. ચાલ, ચાલ, આમ નબળા બોલ બોલતાં રજપુતના દીકરાને શરમ નથી આવતી ? ઘોડે