આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨

ગળ નદીમાં તાણ એટલું હતું કે મ્હોટા મ્હોટા તારાએ તરવાની છાતી ચલાવતા ન હતા.

આજની મધ્યરાત્રિ પછી આ જગાએ અંધકારમાં છાનીમાની ધામધુમ થવા માંડી. બરાબર બારેક વાગે શંકરમહારાજ હાથમાં જાડી ડાંગ લેઇ આ રસ્તેથી સુવર્ણપુરની વાટે દોડ્યો, અને ધોરી રસ્તાથી આડું ગાઉ ઉપર સુવર્ણપુરના તાબાનું ગામડું હતું ત્યાં ફલંગો મારતો ગયો. જંગલનાં ક્રૂર પ્રાણિયોની તેમ સુરસંગની બ્હીક રાખવાનું છોડી દઇ આ શૂર બ્રાહ્મણ નકાળજો થઇ ગયો હતો, અને બીજાં વાઘવરુમાંનું એ પણ એક પ્રાણી હોય તેમ જતો આવતો. એને ગયે બે ત્રણ કલાક ભાગ્યે થયા હશે એટલામાં તો માં મનહરપુરીથી નીકળેલી જથાવાળી ઘેોડેસ્વારોની તુકડી બેધડક સરિયામ રસ્તે થઇને આવી, પુલ છોડતા પ્હેલાં તરત એ તુકડીના બે ભાગ પડ્યા, એક ભાગને લઇ વૃદ્ધ માનચતુર અને અબ્દુલ્લો આગળ ધસતા ચાલ્યા, બીજો ભાગ લેઇ ફતેહસંગ પુલ નીચે રસ્તાની એક પાસ રહ્યો, તેમાંથી બે ચાર જણાઓ ઘોડા ઉપરથી ઉતરી મ્હોટાં તાપણાં સળગાવવા લાગ્યા, અને ચારે બાજુએ નજર નાંખતું સાવધાન રહી સઉ મંડળ શૂરી વાતોમાં રાત્રિ ગાળવા લાગ્યું. એ પછી પા કલાક થયો નહી હોય એટલામાં તે ત્રિભેટાના વડથી આણીપાસ બબે ગાઉ સુધી હેરાફેરા કરતાં મનહરપુરીનાં માણસોની બુમો સંભળાવા લાગી: “ખમા મહારાજા મણિરાજને !”, “ન્હાસો ! -ન્હાસો ! મણિરાજના શત્રુઓ જ્યાં હોય ત્યાંથી ન્હાસો !”. જયારે પુલની દક્ષિણે તાપણીઓના ઉંચા ભડકાઓ ચોપાસ અને આકાશમાં વિકરાળ સિંદૂર જેવી જ્વાળાઓ ફેલાવતા હતા, ધુમાડાના ગોટેગોટ તારામંડળને રાહુપેઠે છાઇ દેતા હતા, અને તાપ ભડુક ભડુક કરતો ગાજતો હતો, ત્યારે ઉત્તર પાસે મણિરાજના વિજયધ્વનિ આવી રીતે ગાજી ર્‌હેવા લાગ્યા. માનવી તો અહીં આવે ત્યારે આવે પણ જંગલમાં આજના આ અપૂર્વ ઠાઠથી સિંહ વાઘ જેવાં પ્રાણિયો તો અત્યારથી જ દિવસ ઉગ્યો હોય તેમ શાંત થઇ જવા લાગ્યાં, અને આશ્ચર્યથી શું થાય છે તે જોવામાં ચિત્ત પરોવવા લાગ્યાં – જંગલનાં પ્રાણિયો ઉપર તો મણિરાજની આણ વર્તાઇ ચુકી ! પુલ આગળ થતા ભડકાનાં પ્રતિબિમ્બ અને આસપાસ પડતા મણિરાજના નામના વિજયધ્વનિના પ્રતિધ્વનિ એ ઉભય સુભદ્રાના વ્હેતા પાણીમાં ઉછળતાં ઉછળતાં દૂર જતાં હતાં, અને રત્નગરીના પ્રધાનની પુત્રીના માર્ગમાંથી સર્વ અમંગળ હાંકી ક્‌હાડવા વીરધ્વજ ફરકાવતાં હતાં.