આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫

પુરુષરત્ન રાજાઓનાં રાજ્યનાં ભૂષણ છે એટલું જ નહી પણ એ રત્નોના પ્રકાશથી જ રાજ્યનું દારિદ્રય ફીટે છે અને રાજ્યનું અંધેર - અંધારું નાશ પામે છે. મહારાજ ! એ રત્નો વગર રાજ્ય નથી એ વાત ખરી છે તેમ એ રત્નોના શોધનાર, પરીક્ષક, ગ્રાહક, અને ઉત્તેજક તે તો ડાહ્યા અને બુદ્ધિશાળી રાજાઓ જ છે.” મણિરાજના રાજદર્પનો તિરસ્કાર ન થાય તેમ આ સર્વ બોધક વિચાર તેનાં ઉત્સાહી મનમાં ભરી, તે વિચારનો આચાર ચતુર વિદ્યાચતુર કરી દેખાડતો હતો. જેમ ખુણેખોચલે પડેલી સંતાયલી લોહની કણિકાઓને લોહચુંબક શોધી ક્‌હાડે તેમ વિદ્યાચતુર પુરુષરત્નને ખોળી ખોળી શોધી ક્‌હાડતો, પુરુષપરીક્ષા સૂક્ષ્મતાથી કરતો, ગુણ પ્રમાણે પરીક્ષિત જનને પ્રતિષ્ઠા આપતો – કામ આપતો – વિશ્વાસ બતાવતો – સ્વતંત્રતા આપતો – કામ લેતો – અને તેથી જ આનંદ લેતો અને આપતો. દરેક માણસને એમ અભિમાન ર્‌હેતું કે આ રાજ્યનો સ્તંભ તે હું છું અને તે છતાં ઉપરી પાસે મન નિરભિમાન ર્‌હેતું. ઉપરીઓ હાથ નીચેનાં માણસ પાસેથી, અને હાથ નીચેનાં માણસો ઉપરી પાસેથી, કામ શીખતાં અને કામ લેતાં. સદ્‍ગુણી અને શુદ્ધ રાજ્યનીતિના સામાન્ય નિયમ પરસ્પર વાતચીતથી અને પરસ્પર દૃષ્ટાંતથી સઉ ગ્રહી લેતાં. સેનાધિપતિના ધ્વજ ઉપરથી – શબ્દ ઉપરથી – દૃષ્ટિપાતથી આખી સેના એક કાર્યે સાથે લાગી સરખાં પગલાં ભરવા માંડે તેમ વિદ્યાચતુરના રાજ્યતંત્રમાં થતું. એ રાજ્યતંત્ર જાતે જ એક જાતની શાળા થઇ પડી હતી. કુમુદસુંદરીના રક્ષણને અર્થે થયેલી યોજના આ જ શાળાનું પરિણામ હતું. ફતેહસિંહ, અબ્દલ્લો, અને હરભમ ચારે જણ રાજ્યના ન્હાના પણ કસાયેલા અધિકારિયો હતા અને એમના ઘણાક ગુણ રત્નનગરીના ઘણા ખરા અધિકારિયોમાં હતા એમ કહિયે તો અતિશયોક્તિ ન થાય. એમની નીમણુક વિઘાચતુરે જાતે કરી ન હતી, પણ વિદ્યાચતુરના જ ધોરણને અનુસરી ફોજદારી ખાતાના મુખ્ય અધિકારીએ કરી હતી. તેમને શું કામ કરવું તે ક્‌હેવામાં આવતું હતું, કિયે માર્ગે જવું તે બતાવવામાં આવતું હતું, અને તે માર્ગે કેમ જવું તે એમની બુદ્ધિ ઉપર વિશ્વાસથી રાખવામાં આવતું હતું; પણ એ વિશ્વાસ કેવી રીતે જળવાય છે તે જાગૃત ઉપરીઓ જાગૃત દૃષ્ટિથી તપાસતા. આવી રીતે સત્તાના સૂત્રના તાંતણા સર્વ સેવકોના હાથમાં વણાવા અપાતા ચારચક્ષુ રાજાનું ચારકર્મ આ સેવકોએ એવી રીતે કર્યું કે પ્રધાનપુત્રીના રક્ષણનો માર્ગ