આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩

“સાબાસ ! ફતેસંગ ! સાબાસ ! જેસા તેરા નામ તેસા જ તેરા કામ હૈ ”– અબ્દુલ્લો બોલ્યો.

“આ બોલ નીકળતાં આપણાં માણસો ધાયાં – હાકલ કરી - બંધુકના બાર એક બે કર્યા – આપણો ધસારો થતાં જ પરતાપનાં માણસ નાસવા લાગ્યાં.”

“હત ! બાયલાઓ ! ” માનચતુરે ઉદ્ગાર કર્યો.

“પરતાપને ક્રોધ ચ્હડયો – તે એકલો રહ્યો તો પણ તરવાર ખેંચી ફતેસિંગના સામો આવ્યો. ધીંગાણું થવાની વાર ન હતી, પણ નાઠેલા માણસોમાંથી બે જણ પાછા આવ્યા અને બાંય તાણી પરતાપને પાછો ખેંચી ગયા, આપણે તેમને જવા દીધા, અને હું અત્રે સમાચાર ક્‌હેવા આવ્યો.”

“સાલી લુગાઇયાં ભાગ ગઇ, અબ તો ચલા દે રથ, ગાડીબાન ! ” અબ્દુલ્લો બોલ્યો.

માનચતુર ક્‌હે: “ રસાલદાર, સબુર કરો. એ લોક પાછા એકઠા થશે. એ લોક બરાબર વેરાઇ જાય ત્યાં સુધી રથ ત્યાં લેઇ જવો વાજબી નથી.” – સ્વારના સામું જોઇ બેલ્યો – “તમે પાછા જાવ; સુરસંગ અને હરભમના સમાચાર જણાય અને વાઘજી જતો ર્‌હે એટલે મને ક્‌હાવજે. પ્રતાપ નક્કી પાછો આવવાનો – એની સરત રાખજે. હવે નદીની આણી પાસ બ્હીક નથી – હમે સઉ ધીમે ધીમે ચાલી આવીશું અને પુલની આણી પાસ રહીશું તે અમારાં માણસ પણ કામ લાગશે. તમારે સઉયે એટલી સરત રાખવી કે જો હરામખોરો પાછા આવે તો સુવર્ણપુરની હદમાં નસાડવા કે લ્હડવું પડે તો પણ હરકત ન પડે, નદીની આણી પાસ તો કોઇને આવવા જ ન દેવા. પેલી પાસ રાસ્તે ખુલો થશે ત્યારે પુલ ઓળંગીશું.”

સ્વાર પાછો દોડતો ગયો. રથ અને તેનો સાથ ધીમે ધીમે સાવચેતીથી પુલભણી ચાલ્યો. ચાલતાં ચાલતાં માનચતુર બડબડ્યો: “જો ઇંગ્રેજી હદમાં મારામાર થઇ તો એ રાજ્યની કોરટોમાં ઉલટો ચોર કોટવાળને દંડે એવું થશે, જે થાય તે તાડોમાં થાય તો જ ઠીક.” રથનો પડદો ઉઘાડી જુવે છે તો કુમુદ સઉ હકીકત સાંભળી ભયના ચિન્હોથી ઉભરાતી હતી.

"બ્હેન; અર્ધી ચિંતા ગઇ – હરામખોર વેરાઇ ગયા. હવે જે સાવધાની રાખિએ છિયે એ તો અમસ્તી."