આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪

ડોસો વૃદ્ધ છતાં તેની દૃષ્ટિ ઘણે છેટે પ્હોચતી હતી. પશ્ચિમ દિશામાં આઘે ધુળ ઉડતી દેખાઇ. હવે તો પોતે ફતેહસંગ, અને મુખી એકઠા હોય તો જ ઠીક. એની નીશાનીથી સઉએ ઝડપ વધારી, અને થોડીક વારમાં પુલ પાસે આવી પ્હોચ્યા. ફતેહસંગનાં માણસો પુલની સામી પાસે એકઠાં થઇ ઉભાં હતાં. ફતેહસંગે બુમ પાડી: “ચિંતા કરશો નહી – માખો ઉરાડી મુકી છે.”

ડોસાએ પશ્ચિમ દિશામાં નીશાની કરી – એક સ્વાર એણી પાસથી આવ્યો. કુમુદસુંદરીના રથ જોડેનાં બુદ્ધિધનનાં માણસોએ તેને ઓળખ્યો. તેમાંથી એક જણ બોલ્યોઃ “કેમ મહારાજ, તમે ક્યાંથી ?”

શંકર મહારાજ બોલ્યો, “ફકર કરશે નહી. મ્હારી પાછળ મ્હારા ગામનાં માણસ આવે છે – હમે સુરસંગને મળી જવા જઇએ છિયે–સમજ્યા ?”

“જાઓ, ફતેહ કરો –વ્હેલા આવજો.”

ડોસો આ વાતનો ભેદ સમજ્યો નહી – તેણે પુછી લીધો. શંકર પોતાના માણસો સાથે રસ્તો ઓળંગી ભદ્રાનદી ભણી ચાલ્યો ગયો.

સુરસિંહને ચારે પાસથી ખોટા સમાચાર મળ્યા. ચંદનદાસ પ્રથમથી ન્હાસી ગયો, ભીમજી છુટો પડી ગયો, વાઘજી અને પ્રતાપ વગર બીજી તુકડીઓ ભાગી ગઇ. ગામેગામ ખબર પડી ગઇ, બુદ્ધિધન અને વિદ્યાચતુર બેના સ્વાર એકઠા થઇ ગયા ! હવે તો મનોરથ સિદ્ધ કરવા જતાં નાશ વિના બીજું પરિણામ ન હતું. આટલામાં એને શંકર મળ્યો કે હીંમત આવી. સુરસિંહ વાઘજી, પ્રતાપ, અને શંકર ચારેજણ પોતાનાં શૂરાં માણસો લેઇ ઘોડાઓને વેગભર ચલાવતા ચાલ્યા. તેમનો વેગ અને ડરાવી નાંખે એવો પ્રતાપ જોઇ શંકર મનમાં બોલ્યો;

“જેની ફુંકે પર્વત ફાટે, આભ ઉંડળમાં ભરતા !
“જેને ચાલ્યે ધરણી ધ્રુજે તે નર દીઠા મરતા !
“ હરિનું ભજન કરી લ્યો રે.”

“આહા ! આ લોકો આટલું આટલું દુ:ખ ખમતાં આમ ધરતી ધ્રુજાવે એમ ચાલે છે – ચચાર દિવસના અપવાસી છે – બબે રાતના ઉજાગરા છે – શરીરે ચીથરે હાલ છે – તો પણ આમ ચાલે છે. એ મ્હારા મિત્રેા થયા ! રાજસેવા કરવા જતાં મ્હારે મિત્રદ્રોહી થવું – શું એમ કર્યા વિના આ પેટ ન ભરાય ? – પણ ના – રાણાનું લુણ ખાધું છે તે” -