આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬

છે. કુમુદસુંદરીને પકડવા જવું તે હવે વિનાશના મુખમાં પેસવા જેવું લાગ્યું અને બોલ્યો; “શંકર, હવે પાછા હઠો. બાજી ગઇ. કુમુદસુંદરીને પકડ્યા પછી ધીંગાણું થાત તો હરકત ન હતી – ધીંગાણું કરતાં કરતાં એવું જીતિયે કે કુમુદસુંદરી આપણા હાથમાં આવી જાય એ ધારણા મિથ્યા છે” સુરસિંહે પોતાનો ઘોડો આગળ હાંકી શંકરના કાનમાં કહ્યું.

અનુભવી બ્હારવટિયાનો તર્ક ખરો હતો. એ તર્ક ભુલાવવો એ શંકરનો હેતુ હતો, રથના ઉપર સુરસિંહ હલ્લાં કરે તો જ સુરસિંહ ઉપર સામેથી હલ્લાં થાય, અને તેમ થાય તો જ ખરું સ્વરૂપ પ્રકાશી ભૂપસિંહના શત્રુને પકડી બુદ્ધિધનની નીતિ પાર પાડવાનો પ્રસંગ મળે. રથ ઉપર હુમલો થાય નહી ત્યાં સુધી વિદ્યાચતુરનાં માણસ હથિયાર ઉઘાડે એમ ન હતું, તેમ ન થાય તો બ્હારવટિયાઓને પકડવા એટલી એકલા શંકરની તાકાત ન હતી. સુરસિંહનું બોલ્યું ન સાંભળ્યું કરી શંકર હથિયાર ઉચું કરી બોલ્યો, “જુવો છો શું? આવો પ્રસંગ ફરી નહીં આવે – રથ પાસે માણસ થોડાં છે – ક્‌હાડો રથમાં બેસનારીને ખેંચી બ્હાર – ચાલો, આવો, દોડો”......શંકરે રથભણી ઘોડો દોડાવ્યો – સુરસિંહનો સાથ પણ રસે ચ્હડી પાછળ દોડ્યો – સુરસિંહના હાથમાં લગામ ન રહી – સઉની પાછળ તે પણ ઘસડાયો. રથ પાસે પ્હોંચતાં પ્હેલાં શંકરે બંધુકના ખાલી બાર કર્યા, તેથી બ્હારવટિયાઓ ભરેલા બાર કરવા લાગ્યા, તેમને શૌર્ય ચ્હડ્યુ, ઝાલ્યા રહ્યા નહી. ઘોડાઓ ઉડી પડતા હોય એમ ધપવા લાગ્યા, ઘોડાઓ અને સ્વારોનાં લોહી ઉકળ્યાં, સુરસિંહ ચારપાસ જોવા લાગ્યો કે ભીમજી કે કોઈ આ બારથી આકર્ષાઇ આવે છે? પોતાનું કોઇ આવ્યું નહી, ચારે દિશાઓમાં તેણે નાંખેલી – ફરી ફરી નાંખેલી દૃષ્ટિ વ્યર્થ ગઇ. અભિમન્યુએ ચક્રવ્યુહમાં ઉભાં ઉભાં ચાર પાસ જોઇ જોઇ બુમ પાડી હતી– “કાકા – ભીમસેનકાકા – આવો આ વખત ક્યાં ગયા?” એજ રીતે સુરસિંહના હૃદયે, ભીમજી અને ચંદનદાસને આતુરતાથી, વિકલતાથી, સંભાર્યા પણ કોઇ આવ્યું નહીં. માત્ર થોડી વારમાં તેને શત્રુઓએ ઘેરી લીધો. આગળ જુવે તો ફતેહસિંહ અને તેનાં માણસ, પાછળ જુવે તો હરભમ અને તેનાં માણસ. રથ તો ગોળી પ્હોચે નહી એટલે છેટે રહ્યો – રથ આગળથી સુવર્ણપુરનાં થોડાંક માણસ સુરસિંહની જમણી બાજુએ આવ્યાં.

આખરની વખતે કાયર શૂરો બને તો શૂરોને શૌર્ય ચ્હડે એમાં