આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮

નીકળશે તે તું ત્હારા રાજાનો જાણી જોઇને અપરાધી થશે, અને ગઇ ગુજરી વીસારી ત્હારા ઉપર મહારાણા કંઇ પણ દયા કરે એમ હશે તો તેનો હક્ક તું ખોઇશ. હું તને દગો નથી દેતો – મ્હારા રાજાની સેવા બજાવી છે – જો તું ત્હારા રાજાને શરણ થઇશ તો એ રાજાને પગે પડી – ત્હારા ગુણની કીર્તિ કરી – હું મ્હારી ત્હારા પ્રત્યેની મિત્રતા બતાવીશ. જો તું શરણ નહી થાય તો હું છુટો છું. આ ત્હારાં માણસોનો ભૂપસિંહની કૃપા પરથી હાથ ઉઠાડવાનો અપરાધી તું થશે. તેમના નિરર્થક મરણની હત્યા ત્હારે શિર બેસશે, તેમનાં બઇરાંછોકરાંના નીસાસા જન્મજન્માંતરમાં પણ ત્હારી પુઠે બ્રહ્મહત્યાની પેઠે ભમશે. ત્હારા આ પુત્રો છે – તે હજી જુવાન છે – તેમનો વિનાશ નિરર્થક થશે – ત્હારો વંશ નિર્મુલ થશે – ત્હારો પરિવાર અસ્ત થશે. જે તને કહું છું તે આ ત્હારા માણસોને પણ કહું છું. શરણ કે મરણ બેમાંથી જે જેને સારું લાગે તે સઉ કોઇ દેખાડી દ્યો. ખમા મહારાણાને !” આ અદ્ભૂત પ્રકાશથી સઉ સ્તબ્ધ થઇ ગયા. શંકર બોલી રહ્યો એટલી વારમાં એની સાથેનું મંડળ તેમ મણિરાજનાં માણસ જામગરિયો સળગાવી બંધુંકો સજજ કરી બ્હારવટિયાઓની ચારે પાસ ફરી વળ્યાં. શંકર પોતાના પક્ષમાં છે જાણી રત્નનગરીના માણસોમાં વધારે શૌર્ય આવ્યું. જેટલું શૌર્ય તેમનામાં વધ્યું તેટલું બ્હારવટિયાઓમાં ઘટ્યું. અપવાસ અને થાકથી મરી ગયેલા જેવા ચીથરેહાલ રજપુતોનું હોલાઈ જતું શૌર્ય સુરસિંહ અને ભીમજીના ઉત્સાહક ભાષણે કુમુદને પકડાવાની આશારૂપ જયોતવડે સળગાવ્યું હતું. પ્રાત:કાળે કરેલા શોધથી, સામાવાળાઓની તૈયારિયોથી, ચંદનદાસ અને ભીમજીની ભાળ ન લાગવાથી, વાઘજી અને પ્રતાપે આણેલા પગ ભાગે એવા સમાચારોથી, અને ચારે પાસ ગાંમડાંઓમાં પોતાની વાત જણાઇ ગઇ એ જાણવાથી, સુરસિંહનાં માણસો નિરાશ થવા આવ્યાં હતાં એટલામાં વળી શંકર નવાં માણસો લેઇ આવ્યો તેની ઉંફથી અને સુરસિંહની છેલી હાકલથી સઉમાં મરણશૌર્ય ચ્હડયું હતું તે શંકર ફરી ગયો માલમ પડ્યાથી બમણું ઉતરી ગયું, શંકરના ભાષણથી સઉ નિરાશ થયા. હવે સુરસિંહનો પક્ષ કરવાથી તેનો કે પોતાનો સ્વાર્થ સધાશે નહી એ નિશ્ચય થયો અને ભાગલાં હથિયારો લેઇ આટલાં માણસો સાથે લ્હડવું એ તે માત્ર બળતા અગ્નિમાં કુદી પડવા જેવું લાગ્યું. એક જણ આગળ આવી સુરસિંહને હાથ જોડી ક્‌હેવા લાગ્યો: “બાપુ, આમાં કાંઇ માલ નથી, કારભારીની