આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯

દીકરી, કંસના હાથમાંથી વીજળી ગઇ તેમ, તમારા હાથમાંથી જતી રહી; જીવતો નર લાખેણી પામશે, શંકર ખરું કહે છે, સુકા કુવામાં પડ્યે તરસ છીપવાની નથી ને તેમાં પડવાથી મરવા વગર ફળ નથી; સઉને બઇરાં છોકરાં છે. અત્યાર સુધી તમને લાભ થાય એમ હતું તે અમારાં ગળાં તમને આપ્યાં; હવે તો શરણમાં જ લાભ છે – મરણમાં નથી; આજ સુધી તમારું કહ્યું કર્યું – અાજ તમે મ્હારું કહ્યું કરો ! શંકર મહારાજ! માર કે ઉગાર – આ તરવાર તને સોંપું છું.” કેટલાકે એનું કહ્યું કર્યું; કેટલાક વિચારમાં પડ્યા. આમાંથી કુમુદ મળે એમ નથી એવો વિચાર આવતાં પ્રતાપ સઉની નજર ચુકાવી છાનોમાનો અદૃશ્ય થઇ ગયો; સઉની દૃષ્ટિ શંકરના ઘેાડા આગળ થયેલા હથિયારોના ન્હાના સરખા ઢગલા ઉપર હતી – ધીમે ધીમે, ડરતા, વિચારતા વિચારતા કોક કોક બ્હારવટિયાઓ ઢગલા પાસે આવી તેમાં ઉમેરો કરતા હતા અને હથિયાર છોડનાર માણસો એક પાસ શરમાઇ જઇ – નીચું જોઇ – સુરસિંહની પુઠ કરી અથવા આડી આંખ કરી એકઠા ઉભા. શંકરનાં બે માણસોએ ઢગલો પુરો થતાં ઉપાડી લીધો.

સઉની દૃષ્ટિ સુરસિંહ ભણી વળી પોતાનું ભાગ્ય ફરી વળ્યું જોઇ, માણસો દગો દેતાં જોઇ, સુરસિંહ નિરાશ થયો, ક્રોધને વશ થયો, ચારે પાસ નજર ફેરવવા લાગ્યો, હથિયાર છોડનારાં માણસો ઉપર તિરસ્કાર ભરી અાંખો કરી ઓઠ કરડવા લાગ્યો, ઘોડા ઉપર પગ અને ઝંઘા અફાળવા લાગ્યો, પ્રતાપને અાંખ વડે શોધવા લાગ્યો, શોધતાં શોધતાં “જીવતો ર્‌હે તો આનું વેર લેજે” એમ તેને મનમાં ક્‌હેવા લાગ્યો, પોતાના પક્ષમાં ર્‌હેલા એક જ માણસ પુત્ર વાઘજીને જોઇ સંતોષ અને શૌર્ય ધરવા લાગ્યો, હથિયારપર હાથ મુકવા લાગ્યો, પોતાનો નાશ નિશ્ચિત જોવા લાગ્યો, છતાં એ નાશપ્રસંગે શૌર્યની કીર્તિનો પ્રસંગ ખડો થતો જોઈ ઉત્સાહી થવા લાગ્યો, અને અંતે ઘોડા પર ઉંચો થઇ, ઘોડાને ઉંચો કરી, ભ્રમર ચ્હડાવી, આંખો રાતી અંગારા જેવી કરી, સાથે સ્વાર થયેલા સ્વાર વાઘજીનો ખભો થાબડી શંકરના સામે તીવ્ર કટાક્ષ ફેંકી, પોતાનો ઘોડો ફેરવે છે, પાછળ હર ભમને જુવે છે, હરભમે ગઇ કાલ આપેલો પ્રહાર સાંભરતાં તેના ભણીથી બીજી પાસ ફરે છે, ઘોડાનો વેગ વધારી મુકી તેને ચોપાસે ચક્રાકારે દોડાવે છે, હાથમાંની તરવાર ચારે પાસં વીંઝી મુકી સ્વારની – શસ્ત્રધારીની – પટો ખેલનારની –ક ળાઓની સીમ આણી મુકે છે,