આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧

તરવાર ઉંચી કરી તે ઉપર વાઘજીની તરવાર ઝીલી. બે તરવારો અત્યંત બળથી એકબીજા સાથે અફળાતાં મ્હોટો કડાકો થયો અને વાઘજીની તરવાર એના હાથમાંથી છુટી પડી આકાશમાં સઉનાં માથાં ઉપર ઉડી. ઉંચુ જોઇ, આઘાં ખસી જઇ, સઉએ એને જમીન ઉપર પડવા દીધી, અને એક જણે ઉચકી લીધી. ઘવાયલો સુરસિંહ ઘોડા ઉપરથી ગરબડી પડ્યો. તરવાર વિનાના પણ વાઘ જેવા વાઘજીએ પોતાનો ઘોડો સઉના માથા ઉપર કુદાવ્યો અને સઉને આશ્ચર્યમાં નાંખી એનો ઘોડો, હનુમાને સમુદ્ર ઓળંગ્યો હતો તેમ, સઉને ઓળંગી આકાશમાર્ગે પેલી પાર ઉઘાડી જગામાં પડ્યો, અને પડતામાં સજજ થઇ એટલો તો વેગથી દોડ્યો કે સર્વની દૃષ્ટિનો તિરસ્કાર કરી કેઇ દિશામાં ગયો એટલું પણ માલુમ ન પડે એવી રીતે પોતાના સ્વાર સાથે અદૃશ્ય થઇ ગયો.

આશ્ચર્ય પામતું સર્વ મંડળ જોઇ રહ્યું. ઘવાયલા મૂર્છા પામેલા સુરસિંહને શંકરનાં માણસો ફાળિયાંમાં બાંધી જીવતો કેદ કરી એને અને એનાં શરણ થયેલાં માણસોને સુવર્ણપુરની દિશામાં લઇ ગયાં, અને “ખમા મહારાણા ભૂપસિંહને” એ ગર્જના ચારે પાસનાં ગામડાંમાં સંભળાવતાં ઉત્સાહમાં ચાલ્યાં ગયાં. વિદ્યાચતુરનાં માણસો અને શંકર સુરસિંહ અને વાઘજીના પરાક્રમની સ્તુતિ કરતાં કરતાં કુમુદના રથ ભણી હર્ષભેર ઉતાવળે પગલે ચાલ્યા અને બુમો મારવા લાગ્યા: “ફતેહ ! ફતેહ !”



પ્રકરણ ૧૧.
હોલાયલી આગનો બાકી રહી ગયેલો તનખો.

સુરસિંહના મંડળ ભણી અબ્દુલ્લો, ફતેહસિંગ વગેરે ગયા અને માનચતુર થોડાં માણસ સાથે રથપાસે રહ્યો, અને આતુરતાથી, સજજતાથી, સાવધાનપણે જે દિશામાં ધીંગાણું મચવાનું હતું તેની પાસ સવિશેષ અને બીજી દિશાઓમાં વચ્ચે વચ્ચે દૃષ્ટિ ફેરવતો, શું થાય છે તેની વાટ જોતો, ઉભો. આ શૂર અને અને બુદ્ધિમાન ડોસાનાં સર્વ અંગો ફરકવા લાગ્યાં, તેના ભવ્ય કપાળમાં અપ્રમાદને દૂર રાખનારી કરચલિયો ચ્હડી આવી, તેની આંખો ઝીણી થઇ દૂરદર્શક યંત્ર જેવી બની ગઇ, ઘડી ઘડી એના દાંત ઓઠની સાથે યુદ્ધ કરી ઓઠને દળી નાંખવા લાગ્યા, તેની ધોળી મ્હોટી મુછોના કેશ અંતર્‌ના આવેગથી ઉભા