આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨

થતા હતા અને ત્રાપ મારવા તત્પર થતા ક્રૂર સિંહની મુછો જેવા દેખાયા, એના એક હાથમાં ઘોડાની લગામ હતી. છતાં તે હાથ અસ્વસ્થ હતો અને લગામને અસ્વસ્થ કરવા મંડ્યો ત્યારે બીજો હાથ તરવારની મુઠ સાથે મારામારી કરવા મંડ્યો, અને એના પગ આંખોની આજ્ઞા શોધવા ઉંચા થતા હોય અને ઘોડાને પ્રેરવા નીચા થતા હોય તેમ ઉંચા નીચા થઇ તનમનાટ કરવા લાગ્યા.

કુમુદસુંદરી, રથના પડદામાંથી, ઘડીક પડદો આડો કરી, ઘડીક ઉંચો કરી, દાદાનું મુખ જોતી હતી અને એ મુખના વિકાર ઉપરથી આધે શું થાય છે તેની કલ્પના કરતી હતી. દાદાને, વાત કરવા જેટલી – સમાચાર ક્‌હેવા જેટલી – આધીપાછી દૃષ્ટિ કરવા જેટલી – નવરાશ ન હતી. રથ પાસે ઉભેલા સ્વારોની પણ એ જ અવસ્થા હતી – કોઇ કોઇની સાથે વાત કરતું ન હતું, ગાડીવાન પણ રાશ ઝાલી જે આજ્ઞા થાય તેનો તત્પર અમલ કરવા સજ્જ થઇ રહ્યો હતો, અને ઘોડાને હઠાવે એવા ધોરી મહાન બળદ પણ એવી જ દશામાં ઉભેલા દેખાતા હતા. આ ભયસંકલ્પને કાળે, રથને આગળ લેવો તે પણ અકાર્ય, પાછળ લેવો તે પણ અકાર્ય; એને હતો ત્યાંને ત્યાં રાખી રક્ષક મંડળ આમ ઉભું હતું, અને સર્વ પુરુષોના મનમાં “બ્હારવટિયાઓનો” વિચાર સર્વવ્યાપી થઇ, બીજા વિચારને ક્‌હાડી મુકી, દિગ્વિવજયી થયો હતો. તે પ્રસંગે કુમુદસુંદરીનું હૃદય, પ્રમાદધનથી કાયર થઇ – નિરાશ થઇ – બ્હારવટે નીકળી પડ્યું હોય તેમ, આવા બ્હારવટિયાએ વચ્ચે આ ભયંકર પ્રદેશમાં સરસ્વતીચંદ્રનું શું થયું હશે તે જાણવા અશક્ત બની તે પુરુષને શોધી ક્‌હાડવા ચદ્રકાંતની જોડે નીકળી પડ્યું હોય તેમ, શ્વશુર કુટુંબમાં દુષ્ટ “કાળકા”ના કુભાંડથી પોતાની પ્રતિષ્ઠાની કેવી હત્યા થશે તેના વિચારથી બ્હારવટિયાઓયે પોતાને બેવડી રીતે પકડી લીધી હોય અને તેથી અત્યંત કંપતું હોય તેમ, એ અનાથ અબળાનું હૃદય, એકલું પડી, અનેકધા ભટકવા લાગ્યું, અસ્વસ્થ થયું, અને અનેક સંકલ્પવિકલ્પોનો આશ્રય શોધવા લાગ્યું. ઘડીક તે પડદા બ્હાર જોતી હતી, ઘડીક તે પડદા પડતા રાખી જાગતી સુઇ જતી હતી, ઘડીક બંધ-પડદે ગાડીમાં બેસી મોંએ હાથ દેઇ આંસુ પાડી રોઇ લેતી હતી, ઘડી તકિયે પડી રથની છત્રી સામું જોઇ ર્‌હેતી હતી, ઘડીક વનલીલાનો કાગળ વાંચતી હતી, ઘડીક પડદો ઉંચો કરી આકાશ સામું જોતી હતી, ઘડીક આઘેનાં ઝાડો જોતી હતી, ઘડીક પાસેનાં ઝાડો જોતી હતી, ઘડીક નદીનો