આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨

કે તે પાછળ રહ્યાં ને આગળનાં ત્રણ માણસ ને તેમની વચ્ચે ઘણો અંતર પડી ગયો. માનચતુરને નદીમાં પડવાનો વિચાર વીજળી જેવી ત્વરાથી જેવો થયો તેવો જ તરત તે વિચાર ખેાટો લાગતાં બંધ થઇ ગયો. આ નદીમાં પાછળ પડવાથી પાછળ પડી જવાનું નક્કી ને કુમુદ હાથમાંથી જતી ર્‌હેવાની. પુલની પેલી પાસ કુમુદ ખેંચાય તે પ્હેલાં ત્યાં જઇ સામેથી નદીમાં પડવા માનચતુર ઘોડા પર એકદમ સ્વાર થઇ દોડ્યો. બીજો માણસ પણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વર્તવા દોડ્યાં. નદી અર્ધો ગાઉ સુધી વાંકી વળી પાછી વળતી હતી. તે સ્થળે સામાં પડવા બે ચાર સ્વાર દોડયા. બે જણ મનહરપુરી દોડ્યાં.

રથ એમનો એમ રહ્યો. ગાડીવાન સુવર્ણપુરનો હતો અને પ્રમાદધનની ખાનગી વાતોનો કંઇક ભોમિયો હતો. કુમુદસુંદરી ઉભી હતી ત્યાં એ ગયો ને ચારે પાસ તથા નીચે નદીમાં જોયું. આગળ કુમુદસુંદરી અને પાછળનાં સર્વ માણસ એક પછી એક જોતાજોતામાં પુલ તળે પાણીમાં તણાઇ અથવા તરી અદ્રશ્ય થઇ ગયાં. જ્યાં કુમુદસુંદરી ઉભી હતી ત્યાં આગળ તપાસતાં ગાડીવાનને શંકા થઇ કે ભેખડ ભાગી પડવાથી પગ સરતાં ભાભી પડી ગયાં હશે કે બ્હારવટિયે પગ ખેંચી ઘસડ્યાં હશે કે ભાઇથી કંટાળી આપધાત કર્યો હશે ? તેને કંઇ સુઝયું નહી, જાજમ સંકેલી ગાડીમાં નાખી, કુંમુદસુંદરીની ગાંસડી ને કાગળો એકઠા બાંધી રત્નગરીનો એક સ્વાર રથ જોડે રહ્યો હતો તેને આપ્યાં, ને કહ્યું: “આ ગુણસુંદરીને આપજો. સુવર્ણપુર લઇ જવાનું કામ નથી. આપણે પુલ આગળ વાટ જોઇએ છિયે. નદીના વેગ આગળ મને કાંઇ આશા પડતી નથી. ઈશ્વર સામું જુવે તો તો સઉ સારાં વાનાં છે તે મનહરપુરી જઇશું. જો વિ૫રીત થશે તો હું સુવર્ણપુર જઇશ - તમે આ ગાંસડી લઇ મનહરપુરી જજો. સમાચાર મળે ત્યાં સુધી થોભવું.”

સ્વાર આંખો લ્હોતો લ્હોતો ગાંસડી લઇ ઘોડે ચ્હડ્યો. ગાડીવાને બળદ જોડ્યા ને નિ:શ્વાસ મુકી બને જણ પુલ આગળ રસ્તા વચ્ચે ઉભા ને કુમુદસુંદરીના ગુણ સંભારવા લાગ્યા. સ્વાર ક્‌હેવા લાગ્યો: “અરેરે, બ્હારવટિયાને સઉ પુરા પડ્યા ત્યારે આમ થયું ! ન્હાનપણમાંથી આવું શાણપણ ! – કુમુદસુંદરી તો કોક અલૌકિક કારમો જ અવતાર ! એ તે મૃત્યુ લોકને કેમ છાજે ! જ્યાં જાય