આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦

થયો. પોતાના ઉપર કોઇને દયા સરખી પણ શી બાબત આવે અથવા આવવી જોઈએ એ વિચારથી મસ્તિક ફરી ગયું અને આટલા મ્હોટા આકાશમાંથી મને ઉગારવા કોઈ આવી શકે એમ નથી એ વિચારથી ઈશ્વર જે કોઈક ઠેકાણે હોય તો તે પણ મ્હારો નથી એ વિચારે શોકસીમા ઉત્પન્ન કરી.

આ જ સમયે ઇંગ્રેજ કવિનું મર્મચ્છેદક વાકય[૧] સાંભરી આવ્યું;

“ પલટાતાં દશા વસી જાતી ઉરે !
પલટાય દશા, દીન ઉર ઝુરે !
નહીં પાસ સખા વ્રણ[૨] રુઝવવા-
જડતા ન ઉરે વ્રણ ભુલવવા !
કવિ કોણ શક્યો સઉ એ કથવા ?”

કુબેરના જેટલો ભંડાર, ઇંદ્રના જેવો વૈભવ, વિદ્વાનોમાં માન અને મુંબાઇનગરીમાં પ્રતિષ્ઠા; ચન્દ્રકાંત જેવા મિત્રને સતત સહવાસ અને કુમુદની દિવ્ય સુગન્ધ; વૈરાગ્યનું દૃઢ બળ અને પ્રીતિરસનું ઉત્કૃષ્ટ કોમલ ગાન; આ સર્વ વચ્ચે જે એક વાર હતો તે અત્યારે કેવો હતો ? માગવાનું પણ ઠામ નહીં તેથી ભીખારીથી પણ ભીખારી; બાવાની પણ ત્હાડડતડકાથી રક્ષણ કરનારી વિભૂતિ વિનાનો, મૂર્ખમાં પણ માનહીન અને જંગલમાં પણ પ્રતિષ્ઠાહીન – કે મરેલા શિયાળની પઠે અંહી નંખાવું પડયું; મિત્રને સ્થળે વાણિયો અને કુમુદને ઠેકાણે વિયોગથી ભરેલું અનુકુંપાહીન ઘોર અરણ્ય; વૈરાગ્યને ઠેકાણે તન અને મન ઉભયની અનાથતા અને પ્રીતિરસને ઠેકાણે હૃદય ચીરતો પશ્ચાત્તાપ; આ સર્વ વિપર્યયના વિચારે સરસ્વતીચન્દ્રનું મસ્તિક ચકડોળે ચ્હડાવ્યું. “ કીટ્સ ! કીટ્સ! ત્હેં ખરું કહ્યું છે ! તને આ અનુભવ ક્યાં મળ્યો ? ” આ સ્વર મ્હોટેથી થઈ ગયો અને વાણિયો હબક્યો.

વાણિયો ધીમે રહી સરસ્વતીચંદ્રને ઉઠાડવા લાગ્યો અને ઉઠાડી બેઠો કર્યો, “તમને આ બ્હારવટિયા ઓળખે છે કે શું ? – પેલો સન્યાસી જેવો તમને તમારું નામ દેઈ બોલાવતો હતો ”. આમ ક્‌હેતો ક્‌હેતો અર્થદાસ સરસ્વતીચંદ્રનો ઘા તપાસવા લાગ્યો અને ત્યાંથી લોહી વહેતું બંધ થયું હતું ત્યાં આગળથી રુ જેવું કાંઈ હાથમાં લેઈ આંખો ચળકાવી સુરસંગે ચંદરભાઈ નામ કહ્યું હતું તે સંભારી, વધારે અપભ્રંશ કરી બોલ્યો.


  1. ૧. કીટ્સ કવિનું કરેલું.
  2. ૨ વ્રણ=ઘા.