આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬

પણ મનહરપુરી જવું પડયું અને સાયંકાળે પાછે ગુણસુંદરીનો અતિથિ થયો.

મનહરપુરીમાં ગુણસુંદરી અને ચંદ્રકાંત બેના તથા એ ગામના થાણાના સઉ મળી ચાળીશેક હથિયારબંધ સ્વાર ભેગા થયા.

કુમુદસુંદરીએ મોકલેલા ત્રણ સ્વાર સરસ્વતીચંદ્રને ખોવાથી ખેદ પામી મનહરપુરી ભણી વળ્યા. ત્રિભેટાના વડનીચે બ્હારવટિયો મળવાના છે એવા કંઈક સ્વર માર્ગમાં કાને પડવાથી હરભમજી આખી રાત વડપર ગાળવાનું માથે લઈ વડની ડાળેમાં ચ્હડી સંતાઈ રહ્યો અને બીજા બે જણ મનહરપુરી ગયા.

વિદ્યાચતુર અને તેનું કુટુંબ આ ગામની વસ્તી ઉપર બહુ મમતા રાખતું અને વસ્તી પણ તેમના ઉપર મમતા રાખતી હતી. ગામની ગરીબ વસ્તી પોતાના પ્રિયપ્રધાનની ગુણિયલ પત્નીની ખાતર કરવા ઉપરનીચે થઈ રહી હતી. તેને પોતાની વચ્ચે જોઈ ઉત્સાહમાં આવી હતી. વિદ્યાચતુરને એવો સખ્ત નિયમ હતો કે ગામના લોક પાસેથી વેઠ વૈતરું કે કાંઈ ચીજ ગમે તે થાય તે પણ અમસ્તી લેવી નહી. હાથનીચેના અધિકારીઓને પોતાના કુટુંબની જ વર્તણુકથી દૃષ્ટાંત આપતો. આથી આ કુટુંબ વસ્તીને ઘણું પ્રિય થઈ પડ્યું હતું. ગુણસુંદરીની પાસે પોતાનાં સુખ-દુઃખની વાત કરી જવી, ગુણસુંદરીના પોતના ઘરની ન્હાની ન્હાની વીગત જાણી આશ્ચર્ય પામવું, પોતાની ન્હાની મ્હોટી ઈચ્છાઓ ખુલ્લાદીલથી જણવવી, આવાં આવાં અનેક કાર્યથી ગુણસુંદરીનો વખત ગામની સ્ત્રિયો રોકતી. ગરીબ અને ધર્મિષ્ઠ બ્રાહ્મણિયો, ઉદાર ગરાસિયણો, કરકસરથી ઘર ચલાવવાની આવડત્રેવડવાળી વાણિયણો, અને ઉદ્યોગી કણબણો ગુણસુંદરી આવ્યાની ખબર પડતાં જ નિત્ય પઠે તેના ઉતારા ભણી ચોમાસાની નદીના પૂર પેઠે વળવા લાગી. બીચારી ભંગિયણો પણ એના ઉતારાની પછીતની બારી પાછળ છેટે ઉભી ઉભી કંઈ કંઈ આનંદનો કોલાહલ કરવા લાગી. ગામમાં વસ્તી ત્રણચાર હજાર માણસની હતી. વધારે ભાગ કણબી વર્ગનો હતો. તે લોક ઉદ્યમી અને હીમ્મતવાન હતા. થાણદારો તથા વહીવટદારો તેમની સાથે હેતભાવથી વર્તતા અને પ્રમાણિક રહી મનહરપુરના જમીનદારો તથા ખેડુઓનો ઘણે ઠેકાણે દાખલો લેવાતો. અધિકારીયોના સહવાસથી આત્મપ્રતિષ્ઠા તેમની બુદ્ધિમાં દાખલ થઇ