આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭

હતી, અને તેથી તેમની નીતિ ૫ણ ઉંચા પ્રકારની બની હતી. ગામમાં એક ન્હાની સરખી નિશાળ સારી રીતે ચાલતી હતી અને એક બે છોકરા તો છેક મુંબાઈની પાઠશાળા સુધી અભ્યાસ કરવા ગયા હતા. આ સર્વ લોકને વિદ્યાચતુર ઉપર કુટુંબપ્રીતિ હતી અને ગુણસુંદરી સાથેના ચાળીશે સ્વારો સાથે કણબી લોક રસભેર આનંદમાં પડી વાતો કરતા હતા. પઈસા મળતા તે તો લેતા પણ ઉંચામાં ઉંચી ચંદી સ્વારોના ઘોડાઓ સારુ આપી, ધોડાને થાબડી, ઘોડાઓના ઇતિહાસ પુછી, કોઇ કોઇ સ્વારના ઘરનાં સુખદુ:ખની વાતે ક્‌હાડી, વિદ્યાચતુરન રત્નનગરીમાંના ચાકરોની ખબર પુછી, સાદા અને ભલા કણબીઓ ગાતા, ગવરાવતા, અને ચૈત્રી બીજની રમણીય સંધ્યાકાળે ગામને પાધરે ગો-રજની ઉડતી ધુળમાં ભળી જઈ ગરબડાટ મચાવી મુકતા; તે ગામને છેવાડે આવેલા પોતાના ઉતારામાં ઉંચી ઓસરિયે ઉભી ઉભી ગુણસુંદરી લાંબી નજર નાંખી જોતી હતી અને ઓસરી નીચે આવતી સ્ત્રિયોની ઠઠને આવકાર દેતી હતી.*[૧]

વાણિયા બ્રાહ્મણની પણ થોડીક વસ્તી હતી. ખેતીની પેદાશ પાસેના બંદરમાર્ગે અથવા જમીનમાર્ગે થઈને પરદેશ જતી હતી અને તેથી કેટલાક વાણિયા વ્યાપારીયો ગામમાં આવી વસ્યા હતા. આ ગામમાં પ્રથમ તો આસપાસના ગામોના વાણિયા સાહુકારો ખેડુઓને દ્રવ્ય ધીરતા. અને માત્ર ઉઘરાણી સારુ જ જતા આવતા ર્‌હેતા. ખેડુઓમાં વિદ્યા કાંઈક દાખલ થવાથી, અધિકારીયોની શીખામણથી, પ્રધાનના ઉત્તેજનથી, અને ઉંચી નાતોની દેખાદેખીથી, ખેડુ તેમજ જમીનદાર વર્ગ મરણપરણનાં ખરચ કમી કરતાં શીખ્યા હતા તેમજ પોતાના ધંધામાં ઉદ્યોગ, કરકસર, વેતરણ, અને વિચાર દાખલ કરતા હતા. ગામમાં કર માત્ર જમીનનો જ હતો અને તે પણ ઘણો જુજ હતો. આથી આ લોક પઈસો એકઠો કરતાં શીખ્યા હતા અને પ્રધાનની સૂચનાથી કણબી લોક અરસપરસ ધીરધાર કરતાં પઈસાની કીમ્મત સમજવા લાગ્યા અને તેમાંથી પોતે પોતાના નાણાવટી થતાં થતાં દેવાદાર મટી ધીરનાર થવા લાગ્યા હતા. આનાં મુખ્ય પરિણામ ઘણાં થયાં. ખેડુઓનો ધંધો સ્વતંત્ર અને હોંસ ભર્યો બન્યો. નવા પ્રયોગ કરવા અને બુદ્ધિ અજમાવવી એ એક સારો ચેપ આખી વસ્તીમાં ફેલાયો. ખેડુઓના દીકરા પોતાના માબાપની સ્થિતિ ઉંચ જોઈ તેમના ધંધામાં પડવાનું અભિમાન રાખતાં શીખ્યા અને તેમની વિદ્યા ખેતીના સુધારામાં ખરચાવા લાગી.


  1. * આ ભાગનું અનુસંધાન પ્રકરણ ૬ સાથે છે.