આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨

પામતી. પોતાના પત્રો પોતાની સખિયોમાં વંચાવી આનંદને વધારતી પણ ખરી. પાઠશાળામાં શૃંગારરસ અને પ્રીતિરસનાં ભરેલાં ઇંગ્રેજી તથા સંસ્કૃત કાવ્યનો રસિક અભ્યાસી પતિ આવા પત્રોનો રસ ભોગવતો અને આવાં સાધન દ્વારા અભ્યાસ સમયની વિરહાવસ્થાએ પતિપત્નીનો સ્નેહ ઘણોક વધાર્યો. બાળલગ્નથી હાનિને બદલે આવી રીતે સુખ અનુભવતો અને તે સુખનું મૂળ પોતાના બાલ્યપરિચયનેજ ગણતો પતિ ઘણી વાર એવું વિચારતો કે બાળલગ્ન સામેનો મ્હારો વિરોધ નિર્મૂળ તો નહીં હોય ? આપણા વિદ્યાનિકષ સમાજે[૧] આપણા જુવાનિયાઓના હાથમાં શૃંગારાદિથી ભરેલાં પુસ્તકો મુકેલાં છે તેનું ફળ એક એ થાય છે કે તેઓમાં એક જાતનું કૃત્રિમ દાક્ષિણ્ય ઉત્પન્ન થાય છે. આ દાક્ષિણ્ય ન્હાનપણથી સહચારિણી બનેલી ઉપર સ્વાભાવિક રીતે ઢોળાય છે. આપણી અભણ પણ ભણેલાઓને પરણેલી સ્ત્રિયોના સુખનું મૂળ આવી રીતે રોપાય છે અને ગુણસુંદરીને પણ તેમજ થયું હતું. પતિપત્નીને એકઠાં ર્‌હેવાનો પ્રથમ સમય આવ્યો તે પ્રસંગે અભણ ગુણસુંદરી કેવી રીતે ભણી તે આ પુસ્તકના પ્રથમ ભાગમાં વાંચનારને વિદિત કરેલું જ છે.

પતિના અભ્યાસના સમયમાં જુદાં ર્‌હેવા પડવાથી ગુણસુંદરીના શરીરે પતીપણું મ્હોટી વયે અનુભવ્યું અને તેથી તેના શરીરનો બાંધો પણ યોગ્ય વયે પામવા જોઈતા વિકાસને પામી શક્યો.

પાઠશાળા છોડી કે તરત વિદ્યાચતુરને ૨ત્નગરીમાં શાળાના માસ્તરની જગા મળી અને તે જ પ્રસંગે સંસારમાં પડેલાને સારુ પત્નીનાં તનમન પણ આવી રીતે તેના નવીન સંસારનું વાહનપણું કરવા યોગ્ય બન્યાં. “અડોઅડ કપોળ લાગી રહેલ ” ઈત્યાદિ ન સમજનારી મુગ્ધા આ પ્રસંગે સર્વ સમજવા શક્તિમતી બની અને બેત્રણ વર્ષ લગી સંતતિ ન થઈ અને વિદ્યાચતુર માત્ર શાળાના માસ્તરની નિશ્ચિન્ત અને નિ:સ્પૃહી નોકરી પર રહ્યો ત્યાં સુધીના કાળમાં આ યુવાન દમ્પતીએ શૃંગાર અને સ્નેહની પરિસીમા ભોગવી.

ઘણીવાર રાત્રિના દશ વાગતાં સુધી આ સમયમાં વાળુ પછી દમ્પતી સાથે બેસી અનેક પુસ્તકો વાંચતાં; રાજકીય અને સાંસારિક વિષયોપર વાત ચાલતી, તરુણી ન્હાના ન્હાના પણ સૂચક પ્રશ્નો પુછતી, તરુણ તે સર્વઉપર ચર્ચારૂપે વ્યાખ્યાન કરી પ્રશ્નોનું નિરાકરણ કરતો, અને પોતાના કરેલા સિદ્ધાન્તોમાં નવીવિદ્યાની મુગ્ધા શંકાઓ


  1. વિદ્યાની કસોટી કરનાર સભા, યુનિવ્હર્સિટી.