આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩પ

સ્વરથી ગાવા લાગી અને ગાતી ગાતી ચંદ્ર અને તારા ભરેલા આકાશની સમક્ષ નવી શશિકલા જેવી ખીલવા લાગી:–

“ચમક ચમક તારા થાય આ વ્યોમમાં આ–
“મુજ ઉર સ્વર થાતા પ્રિયના અાજ જેવા;
“શશીતણું ધીમું રેલે તેજ આ વ્યોમમધ્યે–
“તમ ઉરથકી મ્‍હારે જેમ આનન્દ રેલે.
“શશીપદઅંકે બેઠો આ શાંતિ કરે સ્મિત, નાથ! .
"જુવો ! જુવો ! પ્રિય ! ગોઠડી કેવી એ બે કરે એકાંત !
“એવી ગોઠ મુજશું કરોની !
“શશીઉરમાં લપટાઈ આ શાંતિ ધરે પ્રકાશ !
“જુવો ! જુવો ! પ્રિય ગાંઠ એ બેની કેવી પડી આ આજ !
“એવી ગાંઠ મુજશું રચોની ! ”

આ સાખિયો ગવાઈ તેટલી વાર તો વિદ્યાચતુરે તેનો ઉપભેાગ કર્યો. ગવાઈ રહેતાં, તેના હાર્દનો વિચાર થતાં,-અચિન્તી કાંઈ નવી શોધ થઈ ગઈ હોય, શુદ્ધ કન્યાઉપર મદનાવસ્થાનો પ્રથમ અવતાર પ્રથમ જ વ્યક્ત થયો હોય, મુગ્ધાનું લજજાદ્વાર ઉઘડતાં તેના અંતમાં વસતા દૈવતનું નવલ દર્શન થયું હોય, તેમ પત્નીનું ગૂઢ રહેલું કવિત્વ પુષ્પપેઠે સહસા વિકાસ પામેલું જોઈ વિદ્યાચતુર અદ્‌ભુત આશ્ચર્ય, ઉત્સાહ, અને આનંદનો ભોગી થયો. પોતાની કવિતા કરતાં પણ સ્ત્રીની કવિતા વધારે કોમળ અને વધારે ઉત્સાહી લાગી અને તે ભાનથી હૃદય આનન્દગર્વમાં ઉછળવા લાગ્યું, અને તેનો હાથ પોતાને ઓઠે મૂક્યો.

સાત્વિક આનંદના પ્રસંગ વિરલ હોય છે. આ બનાવ વિઘાચતુરને પ્‍હેલો તેમ જ છેલ્લો થયો. આવી રાત્રિ વીતતાં બીજે દિવસે તેના મામા જરાશંકરે તેને બોલાવ્યો. રત્નનગરીના હાલના રાજા મણિરાજના પિતા મલ્લરાજ પાસે જરાશંકર ખાનગી મન્ત્રીનું કામ કરતો હતો. બાળક મણિરાજને ઈંગ્રેજી શીખવવા બસ્કિનસાહેબ તરફથી તાકીદ આવતાં વિશ્વાસુ માણસ જોઈતો હતો અને તે કામ ઉપર જરાશંકરની ભલામણથી વિઘાચતુરની નીમણુક થઈ. તેના મનમાં એવું હતું કે આ જગાનું કામ પણ માત્ર પુસ્તકશિક્ષકનું હશે; પરંતુ એ કામ તો માત્ર ગૌણપક્ષનું જ નીવડ્યું. મલ્લરાજને ઈંગ્રેજી વિદ્યામાં પ્રવેશ ન હતો એટલે તે વિદ્યાનું મૂલ્ય પણ ન હતું. મલ્લરાજ શરીરે તેમ