આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬

સ્વભાવે શુદ્ધ ક્ષત્રિય હતો. આખા રજવાડામાં શુદ્ધ રાજબીજના દૃષ્ટાંતમાં સઉ તેને પ્રથમ ગણતા. ઇંગ્રેજી સત્તાના આરંભમાં થયેલાં યુદ્ધ, સામદામ આદિથી ભરેલી રાજનીતિ, રાજ્યબ્હારના અને રાજ્યમાંના શત્રુઓ, ઈત્યાદિનો તેને ન્હાનપણમાંથી અનુભવ હતો. પોતાનું અન્ત્ય સાધ્ય શું છે તેનો વિચાર કરતો અને પછી સાધન ખોળતો. રાજવિદ્યાને ચતુરંગ (શેતરંજ)ની બાજી જેવી ગણી ખેલ રમ્યાં કરતો અને તેમાં સર્વ સાર માનતો. ઈંગ્રેજી વિદ્યાને તે એક સાધન ગણતો અને મણિરાજને તે સાધન પ્રાપ્ત થાય તેમાં તેને બાધ ન હતો. મલ્લરાજ તરફથી વિદ્યાચતુરને પ્રથમ સૂચના એ થઈ કે ભલે આને ભણાવો પણ તમારું કામ ચુકશો માં. “મ્હારા કુંવરપાસે તમને રાખું છું તે કંઈ એની બુદ્ધિ ઈંગ્રેજી કરવા નથી રાખતો. એનું વય આજ કોમળ છે, માટે બહુ સંભાળથી એને ઉછેરજો. સરત રાખજો કે એને મ્હારે તમારા જેવો બ્રાહ્મણ નથી કરવો કે વૈશ્ય નથી કરવો. બ્રાહ્મણ, વૈશ્ય, મ્લેચ્છ, ઇંગ્રેજ અને એવા એવા સર્વ લોકની વિદ્યા એ સમજી જાય અને સર્વની કળા જાણી જાય, સર્વની સાથે પોતાના ધર્મ પાળવા સમજે, એવું એવું સર્વ એને શીખવજો. પણ યાદ રાખજો કે ઇંગ્રેજ, બ્રાહ્મણ, કે બીજા કોઈનો કે તમારો પોતાનો કંઈ પણ ગુણ એનામાં આવ્યો દીઠો તો તમારી નોકરીમાં કસુર થઈ ગણીશ. તમારું એક કામ એ કે એનામાં શુદ્ધ રજપુતના ગુણ ભરવા. એ કુમાર મ્હારી વૃદ્ધાવસ્થામાં મ્હારે ટેકવાનો દંડ છે, મ્હારા રાજ્યની આશા છે, મ્હારા વંશનું ભવિષ્ય છે, મ્હારા કુલની પ્રતિષ્ઠા છે, અને તમે એના શિક્ષક છતાં નોકર છો, અને એ પ્રજા નહી પણ રાજા થવા સરજેલો છે, તે સર્વ ધર્મને યોગ્ય એને કરજો. એનું શરીર ખીલવવા, એનું શૌર્ય વધારવા, મ્હારા ક્ષત્રિય યોદ્ધાઓ હું તમને સોંપું છું. એને રાજવિદ્યા શીખવવા તમારી મરજી પડે તે સગવડ માગજો. એને રાજા કરજો. બ્રાહ્મણને હાથે રજપુત સ્વધર્મ શીખે એ આપણા દેશમાંની જુની પ્રનાલિકા છે અને તે પ્રમાણે હું એને તમારા હાથમાં મુકું છું. તમારા બીજા વખતમાં શું કામ કરવું તે તમને જરાશંકર બતાવશે. તમારું કામ અંહી નિશાળના માસ્તરનું નથી. સ્ત્રીને કેટલાં કામ કરવાં પડે છે તે જુવો. છોકરાંને ઉછેરવાં, કુટુંબનાં વડીલોનું કામ ઉપાડવું, ચાકરો ઉપર સત્તા રાખવી, ઘરધંધામાં પ્રવીણ રહેવું, ઘરની અને ઘરના સામાનની સંભાળ રાખવી, ઘરમાં આવતાં જતાં માણસ આગળ ઘરનું નાક