આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯

બુદ્ધિ સતેજ હોય છે ત્યાં યુવાવસ્થાનું ઉત્કટપણું પણ તેવુંજ હોય છે એ વાત સાચી માનનાર વર્ગ માનચતુરનું દૃષ્ટાંત બતાવતા. વૃદ્ધાવસ્થા પર્યંત ન છુટેલી લંપટતામાંથી મહાન અને અસાધ્ય રોગને વશ થઈ નોકરી છોડી ઘેર આવવું પડયું. વિદ્યાચતુર શીવાય માનચતુરને બીજો પણ કુટુંબ-વિસ્તાર પુષ્કળ હતો. વિદ્યાચતુરના પહેલાં માનચતુરને બીજા બે પુત્ર અને બે પુત્રિયો થયાં હતાં, સઉથી મ્હોટો પુત્ર સુંદરગૌરી નામની રૂપવતી બાળવિધવા મુકી ગુજરી ગયો હતો, સુંદરગૌરી પોતાને પિયર ર્‌હેતી હતી પરંતુ તેનાં માબાપ ગુજરી ગયાં અને ભાઈભાભીના ઘરમાં એ વધારે પડી. એક દિવસ તે તેને મારી ક્‌હાડી મુકી આખી રાત્ર ભુખી તરસી બારણે ઓટલે બેસાડી મુકી. ગુણસુંદરીને આ વાતની ખબર થતાં ત્યાં ગઈ અને ચોધાર રોતી નિરાધાર જેઠાણીને પોતાને ઘેર લઈ આવી. બીજા જેઠનું નામ ગાનચતુર હતું તે વિદ્યાચતુરથી દશ બાર વર્ષ મ્હોટો હતો અને એને ભણાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો; કારણ ન્હાનપણમાંથી મોજશોખમાં પડેલા બાપે લડાવ્યો અને બાપના જેવી સોબત વળગી. આખરે મામલતદારને ત્યાં ઘણી કડાકુટ કરતાં તેને એક તલાટીની જગા મળી, પણ જાતે વ્યસની તથા ખર્ચાળ હોવાથી કોડી બચતી ન હતી. વળી ગામના મુખીની સ્ત્રી સાથે એની ચર્ચા ચાલતી હતી તેથી મુખી, વેર રાખતો. એમ કરતાં કરતાં એક દિવસ એક ખેતરના ધણી પાસે ચાર પાંચ આના પાનસોપારીના લીધા હશે તે બાબત મામલતદાર પર 'રીપોર્ટ' કરી મુખીએ એને બરતરફ કરાવ્યો અને ચંડિકા નામની પોતાની સ્ત્રી તથા ચાર છોકરાંના વિસ્તાર સાથે રત્નગરી આવ્યો અને ગુણસુંદરીભાભીનો અતિથિ થયો. વિદ્યાચતુરની મ્હોટી બહેન દુ:ખબાના પતિ સાહસરાયને વ્યાપાર કરતાં દેવું થયું, દેવામાંથી છુટવા લોભનો માર્યો સટ્ટામાં પડ્યો, તેમાંથી છુટાય નહી એટલું ઋણ થયું, અને દુઃખ ને લાજનો માર્યો છાનેમાને ગામપરગામ નાસવા લાગ્યો અને ન ચાલ્યે દુ:ખબાને એના ભાઈને ત્યાં મોકલી દીધી. દુ:ખબાને સંતતિમાં માત્ર એક કુમારી નામની કુમારી કન્યા વયે પ્હોચવા આવેલી હતી. જેવું પતિનું દુ:ખ મ્હોટું હતું તેવુજ કુમારીને ક્યાં પરણાવવી અને શાવતે પરણાવવી એ દુ:ખ પણ બીચારી દુ:ખબાને થોડું ન લાગતું. એ દુ:ખ ભાઈભાભીને ન ક્‌હેવાતું અને કન્યાવસ્થા ત્યજતી કુમારીને જોઈ તેની મા રાતદિવસ સોસાઈ જતી. વિદ્યાચતુરની બીજી બ્હેન ચંચળબા આ અરસામાં વિધવા થઈ. તે કામકાજમાં નામ પ્રમાણે ચંચળ હતી.