આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨

નાનડિયામાં એમને હરકત પડે માટે એમને એકાંત જોઇયે, પણ તેની સાથે એમને જો મેડિયે ચ્‍હડાવિયે તો કંઇ જોઇતું કરતું હોય તો બુમો પાડવી પડે માટે એમનું નીચે ઠેકાણું રાખ્યું. એમાં મ્‍હારું બેસવાનું ઠેકાણું ઓછું થયું પણ એમને ઠીક પડશે. ખડકીની મેડીમાં મ્‍હોટા ભાઈને ખડકીનો ગરબડાટ નડત. એમને એકલાં બેઠાં બેઠાં ગાયા કરવાની ટેવ તે આ ગોઠવણ ઠીક પડશે. ખડકીમાં લોકો બેઠા હોય એટલે મ્‍હારાથી વારેઘડિયે હવે ખડકીની મેડીમાં નહીં અવાય, “પણ આખી રાત આપણી કયાં નથી ? ” પોતે હરકત વેઠી કુટુંબને સમાસ કરી આપનારી સ્ત્રીની પોતાનો સ્વાર્થ તજવાની આ બુદ્ધિ જોઇ આનંદમાં આવી પતિએ તેને ફરી પોતાના પ્રફુલ હ્રદયદાન દીધું.

“બહુ સારું કર્યું, મ્‍હારી ગુણિયલ ” એમ કરી ફરી હ્રદયદાન દીધું. આ ધન્યવાદના શબ્દ પત્નીને ઘણાં વર્ષ સરત રહ્યા અને કેટલીક વાર તો તેના ભણકારા વાગતાં આનંદથી ચમકતી. આ હ્રદયદાન પણ તે ભુલી નહીં. આ શબ્દ અને આ હ્રદયદાન કેટલાક દિવસ સુધી તો ગુણસુંદરી એકલી પડે ત્યારે સંભારી સંભારી, તેમાં લીન થતી. વિદ્યાચતુર એને ગુણિયલ કહી રોજ બેાલાવતો, પણ આજનું “ગુણિયલ” કાંઇક જુદા જ અર્થવાળું લાગ્યું. કુટુંબસંસાર ચલાવવો એ રાજ્ય ચલવવા જેવું છે. તે ચલવનારી ગૃહિણીનું કામ રાજ્ય ચલવનાર પ્રધાનના જેવું ગહન છે. દીર્ઘદૃષ્ટિ, સ્વાર્થત્યાગ, સહનશીલતા, ઉદ્યોગ, ઉદારતા, વ્યવહારકુશળતા, સેવ્યબુદ્ધિ, સેવકબુદ્ધિ, ઈત્યાદિ અનેક મહાગુણોનો ઉપયોગ ચતુર ગૃહિણીને પ્રધાનના જેટલો જ છે. ગૃહિણીનું કામ ભાડુતી ચાકરોથી થવાનું જ નથી અને ગૃહકાર્યને હલકું ગણી તેમાંથી ઉદ્ધારવાને બ્હાને સ્ત્રીને બાહ્ય સંસારમાં ધકેલવી, એ પાશ્ચાત્ય બુદ્ધિ વિધાચતુરને ઘણાં કારણથી રુચતી ન હતી. એ કારણોને ટુંકામાં સમાસ એક પ્રસંગે તેને ગુણસુંદરીયે જ કરી બતાવ્યો હતો. એક પારસી વર્તમાનપત્રમાં સ્ત્રિયોને બ્‍હાર પાડવા વિષે નિબંધ હતો તે વાંચી રહી પત્ર પતિના હાથમાં મુકતી મુકતી પત્ની બોલી: “મ્‍હારા ચતુર વ્હાલા ! આ લોકો લખે છે તે શું તમે ખરું ધારો છો ? અમારે અમારું શું ઓછું છે? અમારાં શરીર તેમ અમારાં મન સંસારના ગર્ભ ધારણ કરવાને જ સરજેલા છે , અમારાં શરીર છે તે સંસારને ઉછરવાનું સ્થાન છે. એ શરીરને પુરુષના સંસારને ધક્કેલે ચ્‍હડાવવાં તે જીભની પાસે દાંતનું કામ કરાવવાના પ્રયત્ન જેવું છે. તમે દાંત – અમે જીભ. તમે તમારું કામ કરો. અમે અમારું કરીશું. તમે કમાવ,