આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩

અમે ઘરસંસાર નીભાવીશું, સ્ત્રીવિના તમારી કમાઈનો અર્થ કોણ સરાવશે ? તમે પણ પેટની સેવા સારું જીવશો અને અમે પણ તેમ કરીશું, ત્યારે તમારી સંતતિની, તમારા કુટુંબની, તમારા ઘરની, તમારા મનની, તમારા આનંદની, તમારા ધર્મની, સંભાળ કોણ લેશે ? શું ઈશ્વરે જગત એવું નિર્મેલું છે કે સ્ત્રિયે પણ ધનની સેવા કરવી ? અમને અમારું કામ જે આવું મ્‍હોટું છે તે શીખવવામાં મદદ આપો. તમારી પાસે દ્રવ્ય વધે તો અમને અમારા કામમાં ઉંચી પદવી આપો. કુમારા પુરુષો ગરીબ હોય છે ત્યારે પોતે પોતાના ચાકર ને રસોઈઆ બને છે તેવીજ રીતે ગરીબ પતિની સ્ત્રી બને છે રસોઇનું કામ સોંપી સ્ત્રીને હલકી કરી નાંખી એવું બોલનારા વગર વિચાર્યું બોલે છે, કારણ તે કામ તો સ્થિતિ પ્રમાણે પુરુષ અને સ્ત્રી ઉભયને કરવું પડે છે. દશ રુપીઆ કમાવા બજારમાં મજુરી કરવી અથવા બસો રુપીઅા કમાતા ડાકતર બની દવા ઉકાળવી અને ગુમડાંનાં પરુમાં હાથ બોળવા તેના કરતાં રસોઇને કિયા ઈશ્વરે હલકી કહી છે જે? અમે અમારી બુદ્ધિ રસોઈમાં ચલવીશું. તમારાં સાધન વધશે ને રસોઈઓ રાખી આપશો તો તમારા ઘર ને ! ઠેકાણે અમે મ્‍હેલ રચીશું, તમારા પુત્રને તમારા જેવા કરી આપીશું, તમને જે વિદ્યા સેવવાને અવકાશ નહી મળે તે અમે સેવીશું; તમારી રસવાસનાને, તમારા કવિત્વને, તમારા જ્ઞાનને, તમારા શૌર્યને, તમારી દેશભક્તિને, ઋણાનુબંધ પ્રમાણે ઉછેરીશું અને વધારીશું. જીભ કોમળ કામ કરશે ને દાંત કઠોર ચાવણું ચાવશે.તમારાથી અમારું કામ નહી થાય. અમે અમારું કામ યોગ્ય રીતે કરીશું તો જ તમારો સંસાર આગળ ચાલશે. તમારે સંસાર આગળ ન ચાલે તો અમને પણ હાનિજ છે. મ્‍હારી તો એવી બુદ્ધિ છે.” આ સાંભળી વિદ્યાચતુર હસ્યો અને બોલ્યો: “ઠીક, તને પણ ભલું માનવતાં આવડે છે. આપણામાં સ્ત્રિયો પોતાને પતિની દાસી ક્‌હેવડાવે છે, સેવકનું કામ છે કે સેવ્યને મ્‍હોટપ આપવી. પણ, અમે તો હવે ઇંગ્રેજી ભણ્યા એટલે આપણા હક સરખા ! ”

ગુણસુંદરી – “કોણ ક્‌હે છે જે હક સરખા નથી ? ખાવું, પીવું, સર્વે તમારે ને અમારે સરખું જોઇયે છિએ. પણ સરખો હક કરીને, તમારાથી ગર્ભ ધરાવાનો નથી ને અમારાથી અમારું કામ છોડાવાનું નથી. સેવ્ય સેવક એ નામથી કોઈ મ્‍હોટું ન્હાનું બનતું નથી. શેઠ નોકરને વાસ્તે મજુરી કરે છે ને નોકર શેઠને સારુ મજુરી કરે છે.