આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧

તે માણસ પારકું હોય તો તેને સમજાવી, ફોસલાવી, ઉંધું ચતું સમજાવી, ને જરુર પડે તે આશ ને ફાવે તો ત્રાસ આપી, તેના સ્વભાવને પોતાને વશ કેમ કરી દેવો તેનો અભ્યાસ માનચતુરે ન્હાનપણમાંથી કર્યો હતો. તે માણસ પોતાનું હોય તો સીરજોરીથી કામ કરાવતો. પોતાના સ્વભાવની હરકત દૂર કરવાની હોય તો, અને ધારેલું કામ કરવા જતાં ખરેખરી ન જ ગમે એવી વસ્તુ કરવી પડે તો, તેમ કરતાં જરી પણ અચકાતો નહી, અને મ્હાવત હાથીના કુંભસ્થળપર અંકુશ વાપરે તેમ પોતાના મર્મસ્થળમાં પેશી તેને પ્રસંગવશ કરી નાંખે એવી અર્થાનુસારી બુદ્ધિ રચી દેતો અને અણગમતી વાત કરવી પડે તો અણગમાના બદલામાં ધારેલો અર્થ ઝટ પાર પાડવામાં પુરુષાર્થ અને યશ માનતો. એ કાંઈ જાતે નાસ્તિક અથવા અનીતિને રસ્તે ચ્હડેલો ન હતો અને કામમાં હરકત ન થાય ત્યાંસુધી ધર્મ અને નીતિ ઉભય સાચવતો, પણ પોતે આવો દૃઢ અને બળવાન સ્વભાવનો માણસ હોવાથી પ્રસંગ પડ્યે એ કશાને ગાંઠતો નહીં એમાં કાંઈ નવાઈ ન હતી. ધર્મઉપર અત્યન્ત આસ્થાવાળી અને વૃદ્ધાચાર તથા લોકાચારના હવાપાણીમાં જન્મથી વસવા પામેલી ધર્મલક્ષ્મી ઉઠે ત્યાંથી સુતા સુધી ડગલે ડગલે ધર્મના નિયમ જાળવતી અને ધર્માચારના પ્રશ્નોનું નિરાકરણ કરતાં શાસ્ત્રિયોને પ્રવીણતા વાપરવી પડે તેટલીજ પ્રવીણતા અને શ્રમ લોકાચારનો નિર્ણય કરવામાં વાપરતી. ગામની અને જ્ઞાતિની સ્ત્રિયો લોકાચારના પ્રશ્ન લેઇ ધર્મલક્ષ્મીપાસે આવતી; તેમને ઉત્તર દેતી વખત ડોશી જુના કાળનાં કંઈ કંઈ દષ્ટાંત ક્‌હાડતી, કંઈ કંઈ પાનાં જીભઉપર ઉથલાવતી, કંઇ કંઇ નિયમ શોધી ક્‌હાડતી, અને સામાના મનમાં બેસી જાય એવા કંઇ કંઇ માર્ગ દેખાડી આપતી હતી. માનચતુર આ સઉ જોઇ ખુશી થતો, નવા નવા પ્રશ્ન ઉઠાવવામાં અને ડોશીની ચતુરાઈ કસી જોવામાં ગમ્મત માનતો, અને “બૈરક શાસ્ત્ર”ની શાસ્ત્રિણીની નાતમાં પ્રતિષ્ઠા જોઇ જરીક ગર્વ પામતો. નાતમાં કંઇ પ્રશ્ન ઉઠે એટલે સઉ કોઇ એમ ક્‌હેતું કે “જાવ, ધર્મલક્ષ્મી એનો માર્ગ બતાવશે.” તે આવી સ્ત્રીના વ્હેમ હદ કરતાં વધારે થાય, ન્હાની ન્હાની બાબતમાં અંટીવાળે આવે, અને મ્હોટી બાબતોમાં પણ પ્રસંગે પત્થરની ભીંત રસ્તાવચ્ચે ચણી લીધી હોય તેમ આડે આવીને ઉભા ર્‌હે એ સ્વાભાવિક હતું. આ સ્વભાવથી હરકત ન થાય ત્યાં સુધી તો માનચતુરને ગમતું, પણ હરકત થાય ત્યારે એ હરકત દૂર કરવા તત્પર થતો. ઘણું