આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨

સમજાવી, કેટલીક વખત સ્વામી નાખુશ થશે એમ જાતેજ સમજીને સ્ત્રી ચાલે એવી વગરબોલ્યે યુક્તિયો કરી, કોઈ વખત તો મીજાજ ખોઇ વિવાહનું વર્ષી કરી મુકી, અને એવી અનેક પણ ગમે તે રીતથી માનચતુર ધર્મલક્ષ્મી ભણીની સર્વ હરકતો ખંખેરી નાંખતો. ગુણુસુંદરીની સુવાવડમાં પોતાના ઘરમાં જે જ્યાં ને તે ત્યાં થયું જોયું. ધર્મલક્ષ્મી વગર રથનું ચક્ર હવે ચાલે એમ નથી અને એ તો પોતાના જ ખટકર્મમાં પડેલી તેથી કાંઇ જલદ ઉપાય વગર એને ભાન નહી આવે એવું ધારી ડોશીના દેવને ગોળીના પાણીમાં ઝબકોળી પોતાની ઓરડીમાં સુતેલો ડેાસે, જામગરી સળગાવી બન્ધુકનું નીશાન બરાબર વાગે છે કે નહી તે જોતો હોય તેમ, નીરાંતે પડેલો દેખાતો છતાં અત્યંત આતુરતાથી શું થાય છે તેની વાટ જોવા લાગ્યો, જોતો જોતો નીચલો ઓઠ દાંત તળે ચુસવા લાગ્યો, અને આંખો ચગાવી મુછે તાલ દેવા લાગ્યો.

ડોશીને દીવાશળી જડી અને તેણે દીવો પ્રકટાવ્યો અને પાલખા પાસે દીવો મુકે છે તો દેવ ન મળે. ડોશીના દીલમાં ત્રાસ પડ્યો અને ચમકી પાલખાની તળે તથા ચારે પાસે શોધવા લાગ્યાં. ભક્તિવાળી ડોશીને સમજણ ન પડી કે આ શો ચમત્કાર થયો. ડોશી દેવસેવાની ઓરડી બ્હાર આવ્યાં પણ ત્યાં કોઇ હતું નહી. “બારણું ઉઘાડી અંદર આવી દેવને કોઇ છાનુંમાનું ચોરી તો નહી ગયું હોય ? મ્હારું ધ્યાન બીજી પાસ હતું ” – આ વિચાર થતાં વધારે ફાળ પડી અને બારણું ઉઘાડે તો ડેાસાએ ક્‌હાડી મુકેલો કુતરો ઉભેલો અને કુવે ચાકર ગપાટા મારે. “કોઇ ઘરભણી આવ્યું હતું ?” એમ ચાકરને પુછ્યું અને ધમકાવી તેને ઘરમાં બોલાવ્યો. ઘરમાં પાછાં ફરી અકળાઇ બુમ પાડી: “ચંચળ ! ચંચળ ! આ જોને મ્હારા દેવ ક્યાં ગયા ?” બુમ સાંભળી હાથમાં સાવરણી ઝાલી ચંચળ આવી, તેની પાછળ ચંડિકા, તેની પાછળ સુંદર, બીજી પાસથી દુઃખબા, અને ઘરનાં છોકરાં સઉ આવી ચોકમાં ભરાઈ ગયાં. પુછાપુછ અને શ્હોર બકોર થઇ રહ્યો. એક પાસથી ગાવાનું બંધ કરી ગાનચતુર આવ્યો અને બીજી પાસથી વિદ્યાચતુર સફાળો જાગી દાદર પરથી ઉતર્યો. દેવ ક્યાં ગયા તે વીશે ઉપરાઉપરી પ્રશ્નો અને ઉત્તર થવા લાગ્યાં અને સૂચનાઓ તથા શોધાશોધ થઇ રહી. દુ:ખબા ક્‌હે કોઇ છોકરાં દેવને રમવા લઈ ગયાં હશે. ચંચળ અને ગાનચતુરને એમ વિચાર થયો કે ઉંદર તાણી ગયા હશે, વિદ્યાચતુર ક્‌હે “પાલખામાંથી ગરબડી ગયા હશે – આશપાશ ફરી શેધો.”