આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮

પેઠે - દૃષ્ટિમર્યાદામાં દૃષ્ટિ આગળ ખડાં થાય છે અને મન એ ચમત્કારનું સાક્ષી બનતાં બનતાં ઈશ્વરની અનંતતામાં તલ્લીન અજાણતાં થઇ જાય છે – અનંત અનુભવનાં એક પછી બીજાં પગથિયાં જુવે છે અને તે પર ચ્હડે છે. પોતાના ઘરમાં દિવસે દિવસે વધતી રચના જોઇ, નવરી પડેલી સુવાવડીનું મગજ આવા આવા વિચારોથી ભરાઇ ઉચ્ચગ્રાહી વિષયોનું ગ્રાહક થતું અને ડગલે ડગલે ક્‌હેતું કે “આ પણ એક નવા અનુભવ – હવે કાલ બીજો–શો અનુભવ થવા સરજેલો હશે ?” ક્ષુદ્ર ઘરસંસારમાં પણ પર્યેષક બુદ્ધિને જોઇએ તેટલા વિચાર જડી આવે એમ છે અને મનને કેળવણી આપવા ચારે દિશારૂપી મુખોમાંથી ઈશ્વરનું બ્રહ્મસ્વરૂપ શ્રુતિયો સંભળાવી ર્‌હે છે. સુવાવડના ખાટલાઉપર, અને ગજારનાં અંધારામાં, આધિવ્યાધિથી ઉકળતા મગજમાં આવી તીવ્ર કવિતા ઉભરાતી હતી અને નવા જન્મેલા બાળકની સમોવડિયણ બનતી હતી.

જે દિવસે માનચતુરે તોફાન મચાવી મુક્યું તેને બીજે દિવસે ગુણસુંદરીની સહિયર યશેાદા ખબર જોવા આવી અને એકાંતમાં ગામમાં સંભળાતા સમાચાર કહ્યા: “એવી વાત ઉડી છે કે વિદ્યાચતુરે ગઈ કાલ ઘરમાંથી બે બ્હેનોને એને ભાભીને ક્‌હાડી મુક્યાં, ડોશીએ તેમને મનાવીને ઘરમાં આણ્યાં, અને તે બાબત માદીકરો લ્હડ્યાં અને વિદ્યાચતુરે ચ્હીડાઇને પાલખામાંથી ડોશીના દેવને નાંખી દીધા !” નિર્દોષ પતિની નિન્દા સાંભળી પતિવ્રતાને અત્યંત દુ:ખ થયું અને મ્હોડે તો શાંત રીતે સઉ વાતને ખુલાસો કર્યો; પણ મનમાં બધા કુટુમ્બ ઉપર તિરસ્કાર થયો, પળવારમાં મટી ગયો, અને સઉ ગયાં એટલે મ્હોં પર હોડી સુઇ ગઇ અને બે કલાક સુધી તેવી સ્થિતિમાં છાનુંમાનું રોઇ અને તેથી અંતે તાવ આવ્યો તે કોઇએ જાણ્યો પણ નહી.

બે ત્રણ દિવસ થયા એટલે નવું ધતીંગ જાગ્યું. ઘરનો સામન પરસાળની પાછળની મેડીમાં ર્‌હેતો, તે સામાન લેવા લાવવા સુંદરગૌરીને જવું પડતું. એ અનાથ વિધવાનું આ ઘરમાં ગુણસુંદરી શીવાય બીજું કોઈ ન્હોતું સર્વ સ્ત્રીમંડળ એના ભણી કડવી આંખે જોતું, અને પુરુષવર્ગને એની કાંઈ પડી ન હતી. તે છતાં દેરાણીની મમતા એને સુખી રાખતી. એક દિવસ નીચે સર્વે સ્ત્રીમંડળ જમવા બેઠેલું હતું અને પુરુષવર્ગ જમી કરી પોતપોતાને સ્થાનકે વેરાઈ ગયો હતો. તેવામાં ગુણસુંદરી સારું ઔષધની સામગ્રી લેવા વ્હેલી વ્હેલી જમી સુંદરગૌરી પરસાળની મેડિયે ચ્હડી. બપોરના બાર વાગ્યા હતા, અને અગાશીમાં