આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
॥ अनादरोत्कंठितयोः प्रसिध्यता समागमेनापि रतिर्न मां प्रति ॥

પુરુષમાત્રમાં આ મનુષ્યભાગ થોડો ઘણો પણ હોય છે અને અનાથ અબલાઓનો પાલક થઈ પડેછે. સ્ત્રી-બહુમાન (chivalry) પુરુષના ચિત્તમાં ઉદય પામે તો પુરુષ અને સ્ત્રી ઉભયની વિશુદ્ધિ સ્વાભાવિક રીતે વજ્રલેપ થવા પામે અને સ્ત્રી નિર્ભય થાય તેનું કારણ આવુંજ છે.

તડકામાં ઉભી ર્‌હેવાથી વધારે સુન્દર થયેલી, નીચી વળી ઉભી રહેવાથી દૃષ્ટિમાં નવતા ભરવા માંડતી, સુન્દરગૌરી ઉભી થાય છે તો તેની જોડા જોડ આવી ગાનચતુર ઉભેલો ! જમી ર્‌હેલો તેથી ભરેલા પેટને એને નીશો ચ્હડેલો હતો – તેનું શરીર અને મુખ અન્નના તેજથી ચળકતું હતું અને એ ચળકાટમાંજ ઘેન ભરેલું દેખાતું હતું. એજ અન્નના ભારથી – ઘેનથી – તેનું મનુષ્યત્વ શાંત થઇ ગયું હતું અને પશુભાગ મગજમાં આવી ઠરી ગયો હતો. પોતાની મેડીમાં સુતાં સુતાં કાંઈક ઘસારો લાગ્યો અને બ્હાર આવ્યો તો સુન્દરગૌરીને એકાંતમાં રમણીયરૂપે સ્થિર ઉભેલી દીઠી, તેને જોતાંજ પશુભાગે પુરુષના મગજપર બળાત્કાર કર્યો, અને શુદ્ધબુદ્ધિને ઉપભેાગ કરવામાં નપુંસક બનેલો પુરુષ એકદમ પણ છાનોમાનો સુન્દરગૌરી પાસે આવી ઉભો હતો - તેને ન થયો વિશુદ્ધિનો વિચાર, ન રહ્યું સગપણનું ભાન, અને ન લાગ્યું વસ્તીવાળા ધરનું ભય ! પરંતુ પશુભાગે આટલું બળ કર્યું ત્યારે છેક મોડે પણ મનુષ્યભાગ મુંગો ન રહ્યો. સુન્દરની પાસે આવી ઉભો ર્‌હેવા છાતી ચલાવનારની છાતી વધારે ન ચાલી, તેનાં હાથપગ સ્તબ્ધ થયાં, તેના ઓઠ ઉઘડી શક્યા સરખા નહી, અને મનુષ્યભાગ ભ્રષ્ટ થતાં ૫શુભાગ દેખાય તેમ પશુભાગને પરાભવ કરી જડભાગ જીત્યો હોય તેમ ગાનચતુર કેવળ જડ જેવો ઉભો રહ્યો અને માત્ર તેની અાંખના જરી જરી ફરકતા ડોળામાં આવી એને ભ્રષ્ટ મનોદય જણાવા લાગ્યો. એના ઉપર દૃષ્ટિ પડતાં સુન્દર લેવાઇ ગઇ, તેના હોંસકોંસ ઉડી ગયા, એના નખથી શીખ સુધી કેવળ ભય વ્યાપી રહ્યો, અને સઉને અંતે સામન એમનો એમ ર્‌હેવા દઇ અચિન્તી દોટ મુકી દાદર પરથી નીચે ઉતરી પડી, ઉતાવળમાં ને ઉતાવળમાં છેલ્લું પગથિયું ચુકી, પડી, વાગ્યું તે ગણ્યું નહી, અને ગુણસુન્દરીવાળી ગજારમાં જઈ ઉભી રહી અને ભય ગયો દીઠો તે છતાં ભય સમક્ષજ હોય તેમ થરથર ધ્રુજવા લાગી અને અાંસુ સારવા લાગી. તેનો ધ્રુજારો કેમે કર્યો બંધ થાય નહી અને ફટક્યા જેવું તેનું કાળજું ધડકતું મટે