આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧

નહી પણ ગુણસુંદરી જમવા ગઇ હતી તેથી આ દશા જોનાર કોઇ હતું નહી અને તે આવી તેટલામાં તો પોતે સ્વસ્થ થઇ સુન્દરગૌરી કામે વળગી અને એના ચિત્તને સદાને ભય વળગ્યો કે “ આ વાત હું હવે કોને કહીશ ? આ ઘરમાં હવે કેમ ર્‌હેવાશે ? અને આ ઘર મુકી ક્યાં જવું ? ” શરીરરૂપ પશુભાગ ધારણ કરનારે એ ભાગને હાથમાં રાખવા નિરંતર સાવધાન ર્‌હેવાનું છે – એ હાથમાં ન ર્‌હે તો પછી મનુષ્યત્વ સર્વથા નષ્ટ થયું જ સમજવું, અને મનુષ્યરૂપ આવું પશુ પશુરૂપ પશુ કરતાં અનેકધા ભયંકર છે. આ ભયંકર પ્રાણીનો ભય અનાથ વિધવાના કોમળ હૃદયમાં શલ્ય પેઠે પેસી ગયો. એ શલ્ય હૃદયને વીંધવા લાગ્યું અને હૃદયમાંથી બહાર ન ક્‌હડાયું, “કોને ક્‌હેવું ? શી રીતે ક્‌હેવું ? જીભ શી રીતે ઉપડે ? છાતી કેમ ચાલશે ? કોણ માનશે ? અરેરે ! આમને આ શું સુઝયું ? હવે શું કરશે ? શું થશે ? શું કરું ? શું બોલું ? ક્યાં જઉં?” એવા એવા અનેક પ્રશ્નો હૃદયમાં દિવસરાત્ર ઉઠવા લાગ્યા, પ્રશ્ને પ્રશ્ને મુખમાંથી નિ:શ્વાસ અને આંખમાંથી આંસુ નીકળવા લાગ્યાં, કામમાં ચિત્ત ગોઠતું બન્ધ થઈ ગયું. જેનું જગતમાં કોઈ ન હોય તેની નિદ્રા તો હોયજ તે પણ આ અનાથ સ્ત્રીની મટી ગઇ, શરીર નિસ્તેજ થવા લાગ્યું, મુખારવિંદ કરમાઇ સુકાઇ જવા લાગ્યું, શરીરનાં માંસરુધિર અંતર્ધાન પામવા માંડ્યાં, હાસ્યવિનોદ અને શૂન્ય સ્મિત પણ અશક્ય થઈ ગયાં. ગુણસુંદરી પાસે પાસે નીચું જોઈ આંખ પાણીથી ભરાઇ જતી અને ઉચ્ચાર નીકળવા પામે ત્યાર પહેલાં ચતુર જોનાર વગર કોઇને જણાય નહી એવા નિ:શ્વાસ નીકળી જતા. આ સર્વ ફેરફાર કોઇને જણાશે તેનો પોતાને તો વિચાર પણ થયો નહી અને ભાન પણ રહ્યું નહી. ગાનચતુરે પસ્તાતા અંતઃકરણથી એ ફેરફાર જોયો પણ પોતે નિરુપાય જેવો થઈ ગયો. ગુણસુંદરીના હેતસ્વી હૃદયને એ ફેરફાર થયો સમજાતાં વાર લાગી નહી, પણ ફેરફારનું કારણ સમજાયું નહી, અને ઘરના બીજા મંડળને તો એ જાણવાની જરૂર પણ કયાંથી હોય ? ગુણસુંદરી વિના સુંદરગૌરીનું આખા ભરેલા જગતમાં કોઇ ન હતું. ગુણસુંદરીએ ઘણું પુછયું, ઘણા દીલાસા દીધા, ઘણી આજીજી કરી, ઘણું કર્યું, ત્હોયે એટલો જ ઉત્તર મળ્યો કે “ના, ના, કાંઇએ નથી, એ તો અમસ્તો તમને વ્હેમ આવે છે. બીજું કાંઇ કારણ નથી. મને જરા બે દિવસથી શરીરે અસુખ ર્‌હે છે, તે શીવાય બીજું કાંઇ નથી.” ગુણસુંદરીને એ ખુલાસો ખરો ન લાગ્યો. આખરે પોતાના અને પોતાના બાળકના સમ