આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫

ઘરમાં બીજા કોઇને ન દેખી પરસાળ ભણી તે આવ્યો. આવતાં આવતાં ગુણસુંદરી રોતી હોય એવો ભણકારો લાગ્યો. અંદર આવ્યો તો એ આંસુ લ્હોઇ બેઠી હતી. ઘણે મહીને આજ દમ્પતી એકાંતમાં મળ્યાં – જાણે ગુણસુંદરીનું દુ:ખ તેનું મન જાણવાના અધિકારીને પોતાની મેળે માલમ પડ્યું હોય, ને એ દુઃખમાંથી છોડવવા સારુ જ છોડવવાનો અધિકારી આવ્યો હોય એમ અત્યારે વિદ્યાચતુર એને સંભારી સંભારી રોનારીની પાસે આવ્યો. એને જોતાં હર્ષશોકના હીંચકાપર બેઠેલી પતિવ્રતા હીંચકો બંધ કરી સફાળી ઉઠી, અને પતિનું મુખ જોવાની પણ ઢીલ ખમી શકી નહી. સૂતકનું સ્મરણ ઉછળતા ઉત્સાહના વેગ આગળ પાછું પડયું, હાથમાં બાળકી હતી તેને એ હાથે પોતાની મેળે ભૂમિપર મુકી દીધી, અને ચંદ્રકળા મ્હોટા વાદળામાંથી અચિંતી નીકળી આકાશને કંઠે લટકી પડે એમ પરસાળના અંધારામાંથી ઉછળી ગુણસુંદરી વિદ્યાચતુરને કંઠે એકદમ વળગી પડી – લટકી રહી !

પોતાના કંઠથી ચરણ સુધી પળવાર લટકી રહેલી આ [૧]મોહનમાળાને હાથવડે ઉચકી લેઇ – સંકેલી લેઇ – વિદ્યાચતુર હીંચકા ભણી ગયો. આનંદની નૌકા જેવા હીંચકા પર તેને બેસાડી, જોડે પોતે બેઠો. ભૂમિપરથી બાળકને ઉપાડી હાથમાં લીધું, અને હસતે મુખે બોલ્યો : “આજ કાંઇ આમ એકદમ ઊર્મિ ઉછળી આવી ?” ઉત્તર ન દેતાં ગુણસુંદરીએ એક હાથ એના ખભા ઉપર મુકયો, બીજાવડે એની હથેલી પોતાના મ્હોંપર મુકી રાખી થોડીવાર પતિને નીહાળી રહી, પછી પતિના બીજા હાથમાં તેના કામના કાગળો હતા તે પોતાના હાથમાં લીધા, અને જુવે છે તો તેમાંના એક ફોડેલા પરબીડિયાની પીઠે પતિના અક્ષરનો લેખ માલમ પડયો તે વાંચ્યો:–

“વિયોગે પામે નાશ ભુલાતી પ્રીતિ : એમ સઉ ક્‌હે છે,
“તે ખોટું ! ખોટું ! ઓ વ્હાલી ! અનુંભવ થકી પ્રમાણી લેજે !
“દિન દિન રસ જે વપરાય, જુનો થઇ જતો ખુટી તે જાતો !
“વણભેાગવી સંચિત થતી પ્રીતિનો નવો રાશિ બની જાતો ! ”

વાંચી બોલી: “મને પ્રશ્ન પુછ્યો તો ઉત્તર એ કે આપને આ લખવું ક્યાંથી સુઝયું ?”

“એ તો કચેરીમાં કામપર બેઠો તે ત્યાં જરાક વિચારમાં પડ્યો અને વિચારમાં ને વિચારમાં મેઘદૂતનો આ ભાગ સાંભરતાં લખી ક્‌હાડ્યો.”


  1. *વિષ્ણુને મોહનમાળા ધરાવવામાં આવે છે તે કંઠથી ચરણ સુધી લટકે છે.