આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬

“ પણ આ જ ભાગ ક્યાંથી સાંભર્યોં ? ”

“તું તો વકીલની પેઠે મને સામો પ્રશ્ન પુછવા લાગી !”

“ હાસ્તો ! સીદ્ધો ઉત્તર ન આપે તેને આડા પ્રશ્ન !”

“ ચાલો, પુછો ત્યારે, ”

“ કચેરીમાં કામની વખતે બધું મુકીને આ ભાગ ક્યાંથી સાંભર્યો ? ને સાંભર્યો તો સાંભર્યો પણ આ કામના કાગળપર કોઈને હાથ જાય એમ લખી ક્‌હાડયું એવા હૈયાસુના ક્યાંથી થઈ ગયા ? ચાલો, બોલોજી ! – જુવો, આ બાળક પણ તમારા સામું જોઈ રહી છે તે સાક્ષી છે; ” હસતી આંખોએ અને હસતે મ્‍હોયે ગુણસુંદરી વિદ્યાચતુરના સામું જોઇ રહી, પોતે જીતી હોય એવો ડોળ કર્યો, અને પતિના ખભા ઉપર હાથ મુક્યો – જાણે કે પ્રભાતની હસતી શોભાએ સામા પર્વતપર ઈન્દ્રધનુષ્યનો લાંબો કડકો ટેકવ્યો હોય.

“ચાલ, તુ જીતી ત્યારે, ”

“ના, એમ નહી – એટલેથી કાંઈ વળે ? હવે તો બંધાયા તે ઉત્તર દ્યો. તે વગર છુટકો નથી. હમે પણ તમારી કળા થોડી ઘણી શીખ્યાં છિયે."

વિદ્યાચતુર ખડખડીને હસ્યો.

“ક્‌હો કે જેવી મને ઊર્મિ થઇ આવી તેવી તમનેયે થઇ આવી – મને તમને જોઇને થઈ આવી, તમને હું સાંભરતાં થઈ આવી.”

“વારું, એમ ત્યારે હવે કંઇ?”

“જેવી ગત આપણી, તેવી ગત પારકી, ફરી પુછશો કે આવી ઉર્મિ કયાંથી થઈ આવી, તો ફરી આમ ને આમ બંધાશો.”

આ વિનોદવાર્તા કેટલીક વારસુધી ચાલી, વાર્તામાં ને વાર્તામાં એક રસમાંથી બીજા રસમાં સંક્રાંતિ થઈ. યૌવનકથા ચાલતાં ચાલતાં કુટુંબકથા ચાલવા માંડી, હાસ્યવિનોદનો પ્રવેશ પુરો થતાં ગંભીરતાનો પ્રવેશ પ્રકટ થયો. વિદ્યાચતુરે કુટુંબનાં સર્વ માણસની સ્થિતિ પુછવા માંડી. તેમની સ્થિતિનાં વર્ણન કરતાં તેમના પ્રતિ ગુણસુંદરી પોતે કેવો ભાવ ધારે છે તેનું અંતરમાં અવલોકન કરવા લાગ્યો. એ અવલોકનથી ગુણસુંદરીના પોતાનાં સુખદુ:ખનાં હાર્દ સમજવા પ્રયત્ન કરી કરી પતિ પત્નીના હૃદયપર બંધાયલાં પડે પડ ઉકેલવા લાગ્યો, તેને અંતે એ હૃદય ખરેખરું ઉઘાડું થઇ ગયું એટલે એ હૃદયનું શુદ્ધ સ્વરૂપ આતુર મનથી નીહાળવા લાગ્યો. જેમ ચર્મચક્ષુ બાહ્ય શરીરની