આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭

સુંદરતાથી મોહ પામી તેનો ઉપભોગ કરે છે તેમ પતિનું મનચક્ષુ પત્નીના હૃદયની નિ:શંક અને ઉદ્દભિન્ન સુંદરતાથી મોહ પામી પામી તેનો ઉપભેાગ કરવા લાગ્યો; એ હૃદયનો અનુપમ પતિપ્રેમ, વૃદ્ધ માનચતુરના જેવી કુટુંબવત્સલતા, ધર્મલક્ષ્મીના જેવી ક્ષમા, ચંચળ બ્‍હેનના કરતાં પણ વધારે ઉદ્યોગપર આસંગ, સુન્દરગૌરી કરતાં પણ વધારે મૃદુતા, પોતાના કુટુંબભારની ધુરંધરતા, ઘરમાંનાં છોકરાં જેવી કરતાં પણ વધારે ર્‌હેતી આનંદવૃત્તિ, અને પોતાના હાથમાં હતી તે નિર્દોષ બાળકીના જેવી નિર્દોષતાઃ આ સર્વ સદ્દગુણોની સુંદરતાથી ભરેલા પ્રિયાના હૃદયને નીવિબંધ શિથિલ કરી દઈ, તે નીવિબંધ સાચવવા વિનયમુગ્ધાના પ્રયત્ન વ્યર્થ કરી દેઈ, હૃદયસુંદરતાના વિલાસનો અભિલાષી પતિ, વાર્તા કરતાં કરતાં અને અચિન્ત્યે સ્નેહાવેગ ચ્‍હડી જતાં, પત્નીના શરીરને સહસા બળથી હૃદયદાન દેવા લાગ્યો અને હીંચકા ઉપરની પીંઢો જોઈ બોલી ઉઠ્યો:

नीवीबन्धोच्छ्वसितशिथिलं यत्र बिम्बाधराणां
क्षौमं रागादनिभृतकरेष्वाक्षिपत्सु प्रियेषु
अर्चिस्तुङ्गानभिमुखमपि प्राप्य रत्नप्रदीपान्
व्‍हीमूढानां भवति विफलप्रेरणा चूर्णमुष्टि:

હાથ શિથિલ કરી દેઇ પુછવા લાગ્યો.

“ગુણિયલ ! આપણે પણ આવી અલકાપુરીજ છે સ્તો ! પાંચ મહીના સુધી એક બીજા સાથે બોલ્યાં નથી, પણ ક્‌હે, આજ એ સઉનો ખંગ નથી વાળી દીધો ? મને તો વળી ગયો છે. અરે, મને તું ન મળી હત તો મ્‍હારા એ મ્‍હોટા કુટુંબમાં આ સુખશાંતિની અમૃતવૃષ્ટિ ક્યાંથી થાત ? પુરુષ ગમે તે કરે પણ ઘરની સંભાળ તેનાથી કદી લેઈ શકાવાની નથી. મ્‍હારાં વૃદ્ધ માતાપિતાની અને અણસમજુ ભાંડુની સંભાળ લેનારી આવા મ્‍હોટા મનવાળી ગુણિયલ મને મળી – પણ મ્‍હારાથી ત્‍હારા સારુ કાંઇ બનતું નથી, ત્‍હારે સારુ મ્‍હેં શું કર્યું ? ત્‍હારા વિધાવિનોદના દિવસ બંધ થયા ! ક્ષુદ્ર રંધવારી અને ચાકરડીનું કામ તું કરે ત્યારે મ્‍હેં ત્‍હારા ગુણનો શો બદલો વાળ્યો ? અરેરે ! એ તે મ્‍હારાં સાધન ટુંકાં કે મ્‍હારી ઉદારતા ટુંકી ?” નિઃશ્વાસ મુકી, ગુણસુંદરીને છોડી દેઇ, હાથ ઉંચો કરી હીંચકાની સાંકળો ઝાલી, વિદ્યાચતુર ચિંતાતુર અને ઉંચું મુખ કરી જોઇ રહ્યો.