આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯

ને જેને માથે ભાર હોય તે તાણે. તમારી સ્થિતિ મને એકદમ પ્રથમથી ન સુઝી. મ્‍હારાં વખાણ કરો છો ત્યારે તમારે જે ભાર ખેંચવો પડે છે તેનું કેમ કાંઇ બોલતા નથી ને તમારાં પોતાનાં વખાણ કેમ કરતા નથી ? ખરે, અમારાં દુઃખ ઉઘાડાં, પણ તમારાં તો ઢાંક્યાં તમે કહો છો કે ત્‍હારે સારુ મ્‍હારાથી કાંઈ થઈ શકતું નથી, ત્યારે તમારે સારુ મ્હારાથી શું થાય છે ? પાંચ પાંચ માસ થયાં ઘરમાં આવી ઘડીભર જંપી બેઠા દેખતી નથી. મ્‍હારા હૈયાની વરાળ તો કંઇક પણ ક્‌હાડતી હઇશ, પણ તમારે તો વાત કરવાનું પણ ઠેકાણું નથી. તેમાં વળી આટલે દિવસે આજ ઘડી જંપીને વાત કરવા આવ્યા ત્યારે મને પાપણીને તમે ઘડી આનંદમાં જ ર્‌હો એટલી વાત કરતાં ન આવડી–” વાક્ય પુરું થયું નહી એટલામાં સાંકળ ખખડી ને ઉઘાડી જુવે છે તે સુંદરગૌરી જમીને હાંફતી હાંફતી આવી, ને બારણું ઉઘડતાં ઉતાવળથી અંદર દોડી પેઠી. વિદ્યાચતુર ખેદ-વાળે મ્‍હોંયે પાઘડી પ્હેરી જમવા જવા બ્હાર નીકળ્યો. ગુણસુંદરી પસ્તાતી ખેદ પામતી પતિની પુઠે દૃષ્ટિ નાંખતી ઉભી રહી. તે દૃષ્ટિ બ્‍હાર થયો એટલે રોવા જેવે મ્‍હોંયે, બારણું વાસી, બીજી પાસ જુવે છે તો સુન્દરગૌરી ગભરાયલી અને રોવા જેવી ધ્રુજતી ધ્રુજતી ઉભેલી.

“કેમ સુંદરભાભી, આ શું અચિંત્યું? આટલાં બધાં ધ્રુજો છો કેમ ?” આ પ્રશ્નનો ઉત્તર અપાઇ શકે તે પહેલાં એકદમ બારણું ઉઘડ્યું. ગાનચતુર ઉતાવળો ઉતાવળો અંદર આવ્યો. આવતામાંજ બારણા અંદર તરત પેઠેલી સુંદર ઉભી હશે એમ જાણી ભુલમાં ગુણસુંદરીને ખભે હાથ મુક્યો. ગુણસુંદરીએ ચમકી પાછું જોયું. પાછું જોયું કે તરતજ ગાનચતુર પોતાની ભુલ સમજ્યો, અને ભુલ સમજાતાં જ હાથ ખેંચી લીધો અને લેવાતે મ્‍હોંયે બોલ્યો “ તમે કે? મ્હારા મનમાં કે તમારી જેઠાણી ઉભી હશે ! ” પાપના પોપડા ઉપર જુઠાણાનું લીંપણુ થતું જોઈ ક્રોધમાં આવી ભમ્મર ચ્‍હડાવી ગુણસુંદરી ક્‌હેવા જતી હતી કે “કેઇ જેઠાણી ?” પણ એટલામાં તો વીજળીની ત્વરાથી ગાનચતુર ચાલ્યો ગયો અને દાદરે ચ્‍હડી પોતાની મેડીમાં દાખલ થઇ ગયો. ગુણસુંદરી શાંત પડી, ચોળાચોળ કરવાનું પરિણામ સારું નથી જાણી જેઠનો કેડો લેવાનું છોડી દીધું, અને વધારે ધ્રુજતી સુંદર ભણી દયાળુ મ્‍હોં કરી બોલી.

“તે દિવસ તમારું રોવાનું કારણ આ હશે અને આજ ધ્રુજવાનું કારણ પણ આ જ હશે ! હવે હું સમજી.”