આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧

હાથ લાંબો કરી ડોશી તબડકો કરી ઉઠ્યાં, “ના, બાપુ, ના, એ બધું મ્હારે છે તેમનું તેમ રહેવા દ્યો એટલે ઘણું – મ્હારે તો કાંઇ કરાવવું યે નથી ને જોઇતું યે નથી.” કાંઇ બોલ્યા વિના, બોલેલું સાંભળતી ન હોય તેમ ગુણસુંદરી હાથમાં લીધેલું કામ કરવા લાગી એટલે ચંચળ દોડતી દોડતી આવી અને એને હાથ ઝાલી એની પાસે કામ પડતું મુકાવી, રીસમાં ને રીસમાં પોતે તે કામ કરવા લાગી. ગુણસુંદરી તે કામ પડતું મુકી છાનીમાની દુ:ખબા પાસે જઇ હીંચકે બેઠી અને એના સ્પર્શથી અભડાતી હોય તેમ દુ:ખબા એકદમ ઉઠી પરસાળને ઉમ્મરે બેઠી, ગુણસુંદરીએ પુછયું: “મ્હોટી બ્હેન, આજ આ બધું શું છે ?” તેના ઉત્તરમાં તેને પાંશરો જવાબ ન દેતાં નણંદ બોલી, “બળી એ વાત ! જવા દ્યોને એ પંચાત! તમે તમારું કામ કરો.” ગુણસુંદરી બધે ઠેકાણેથી છોભીલી પડી ગઇ. તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં, અને સૂતક ઉતર્યું ન હતું તે છતાં ક્રોધમાં ને ક્રોધમાં કોઇને ન ગણી, બધાની પાસે કાંઇ વધારે આછું ન બોલાઇ જવાય તેટલા માટે અને ઘડીક એકાંતમાં ઉભરા શાંત થાય એ ઇચ્છાથી, એકદમ કુમુદને લેઇ પોતાની મેડિયે ચ્હડી ગઇ. તે જોઇ પોતાનું દુ:ખ ભુલી જઇ સુંદરગૌરી બડબડી. “બધાની ગરજ તમારે - તમારી ગરજ કોઇને નહી - ખરી જ વાત તો !” એમ કહી ગુણસુંદરીને શાંત પાડવા સઉના ઉપર મનમાં ક્રોધ આણી સુંદરગૌરી ગુણસુંદરી પાછળ ચ્હડી. દાદરના છેલા પગથિયાંપર ચ્હડતાં ચ્હડતાં ઘણે દિવસે પોતાની મેડીપર ગુણસુંદરીની નજર પડી, અને પોતાની કે પારકી સંભાળ વગર બધી રીતે બદલાયેલી અને અવ્યવસ્થામાં પડેલી મેડી અને તેમાંનો સામન જોઇ, વિદ્યાચતુરને એમાં કેમ નિદ્રા આવતી હશે એ વિચાર થયો. વિચાર થતાં હૈયું ભરાઇ આવ્યું, અને એ દુ:ખ ઉત્પન્ન થતાં પળવાર ઉપર થયેલાં સઉ દુ:ખ પળવાર ભુલી ગયા જેવું થયું. મેડીમાંનો પલંગ એક ટશે જોતી જોતી છેલા પગથિયા પર ઉભી રહી, અને પાછળ ચ્હડતી સુંદરનો સ્પર્શ થતાં એ સ્વપ્નમાંથી જાગી. જાગતામાં જ તરત ઉપર ચ્હડી, ચ્હડીને પોતે પલંગ પર બેઠી. કુમુદને પણ પલંગ પર સુવાડી અને એને અઠીંગી સુંદર પાસે ઉભી રહી. તેનો હાથ પોતાના બે હાથની હથેલિયો વચ્ચે ડાબી રહી. બેમાંથી કોઇ બોલ્યું નહી. સુંદર ભોંય ઉપર જોઇ રહી. અને ગુણસુંદરી સામી ભીંત ભણી જોઇ રહી અને અધ ઘડી એ દશામાં રહી અંતે વિચારમાં ને વિચારમાં બોલી ઉઠી