આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫

અત્યારે ગુણસુંદરીને કહી દીધું. ગુણસુંદરીને હવે સઉ વાત સમજાઇ અને ગંભીર મુખથી બોલી.

“એમનો કોઇનો વાંક નહીં. ટાકસંચો એવો થયો કે એમના મનમાં આવું વસી જ જાય, અને મ્હારો વાંક નથી તો પણ વાંક વસે. એમાં નવાઇ નથી. વડીલને મ્હારા ઉપર પ્રીતિ અને દયા એટલી બધી છે કે બધાંનો વાંક ક્‌હાડ ક્‌હાડ કર્યા કરેછે, શું કરિયે કે મ્હારા ઉપરથી એમનો ભાવ ઓછો થાય? હવે આ બધું તો સમજાયું, પણ મને ક્‌હેવાને વચનથી બંધાયાં છો તે વાત ક્‌હોને !”

સુંદર પાછી લેવાઇ ગઇ, તેના ઓઠે ન ઉપડ્યા, અને આંખમાં આંસુ આણી ગુણસુંદરી સામું ટગર ટગર જોઇ રહી આખરે બોલી.

“શું આ વાત પુછયા વગર તમારે નહી જ ચાલે ? હવે એ વાત જવા દ્યો તો તમારો પાડ.”

“પાડ બાડ મ્હારે જોઇતા નથી. ઓસંગાયા વગર જે હોય તે કહી દ્યો. મને તમારી બ્હેન સમજજો. જુવો, મ્હારી વાતો હું તમને કહું છું કે નહી ?”

સુંદર વાત ક્‌હેવા જતાં જતાં વળી અચકી અને બોલી, “બળી એ વાત જવા દ્યો. કહીશ કેઈ દ્હાડો વળી.”

“ના, આવો વખત નહીં મળે. હવે સાંભળ્યા વગર મ્હારું મન કહ્યું નહી કરે. અત્યારે ને અત્યારે બધું કહી ન દ્યો તો આ તમારી દીકરીનું સમ. એ વ્હાલી હોય તો ક્‌હો.” ગુણસુંદરીએ ન્હાની કુમુદસુંદરીને પલંગ પરથી આણી સુંદરના ખોળામાં મુકી દીધી. સુંદરને સ્મરણ થતાં ચમકીને બોલી.

“વારુ, તમે સૂતકી છો ને મને ને આ પલંગને ને બધા ઘરને બધાંને સૂતકી કરી દીધાં તમે તો ?”

સૂતકને મનના આવેશે ભુલાવ્યું હતું: વિદ્યાચતુર આવ્યો ત્યારે હર્ષના ઉછાળાએ ભુલાવ્યું, અત્યારે દુ:ખના ઉછાળાએ ભુલાવ્યું. સ્મરણ થતાં ગુણસુંદરી પણ ચમકી.

“હવે તે શું કરિયે ? તમે ન્હાઈ નાખજો, પલંગને કંઈ ન્હવરાવાય એમ છે ? પણ એ બ્હાને તમે વાત ઉડાવો છો.”

“હું શું કરું ? તમને ક્‌હેતાં જીભ ઉપડતી નથી, બાકી જાણું છું કે તમે જાણશો ત્યારે જ મને કરાર વળશે ને ત્યારે જ – તમે